સીલ છતાં બાંધકામ મહાપાલિકાને ખુલ્લી ચેલેન્જ
- વોર્ડ નં.7માં સોનીબજાર વિસ્તારમાં ગોલ્ડન પ્લાઝા પાસે 3 માળનું બાંધકામ ઉભું થઈ ગયું
- મહાપાલિકાએ નોટિસ પણ ચીપકાવેલી છે છતાંય અંદર-ખાને બાંધકામ ચાલુ
- જાગૃત નાગરિકે તંત્રની પોલ ખોલી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના કોઠારીયા પોલીસ ચોકી નજીક આવેલ ગોલ્ડન પ્લાઝા ખાતે ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. મહાપાલિકાએ બાંધકામને ગેરકાયદેસર ગણાવીને સીલ મારી હોવા છતાં, સ્થળ પર બાંધકામ ચાલુ હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, તંત્ર દ્વારા સીલ માર્યા બાદ પણ બાંધકામકારો કોઈ ડર વિના કામ ચાલુ રાખી રહ્યા છે. આ ઘટના તંત્રની કાર્યક્ષમતા પર સીધો સવાલ ઉભો કરે છે. "શું બિલ્ડરોએ હવે કાયદા અને તંત્રને પણ ગણતરીમાં લેવાનું બંધ કરી દીધું છે?" એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
અગાઉ આપવામાં આવેલી લેખિત અરજીમાં પણ જમીન અને બાંધકામ સંબંધિત ગેરરીતિઓ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. છતાં અત્યાર સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે બિલ્ડર તંત્રને અવગણીને કામ ચાલુ રાખી રહ્યા હોવાનો આરોપ છે. સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જો મહાપાલિકા દ્વારા સીલ માર્યા પછી પણ બાંધકામ ચાલુ રહે, તો એ સીધો તંત્રની નિષ્ફળતા અથવા મિલીભગત તરફ ઈશારો કરે છે.
હાલ આ મામલે મહાપાલિકા તંત્રની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે છે કે પછી ફરી એકવાર “વેઈટ એન્ડ વોચ” ની નીતિ અપનાવે છે.