Loading Please Wait !!!
કોન્સ્ટેબલ વિરુદ્ધ ખોટી ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

=> ‘જાનથી મારી નાખવાની ધમકીનો કોઈ જ પુરાવો નથી’
 
=> ભક્તિનગરના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને મોટી રાહત, આગામી સુનાવણી સુધી કોઈ પણ કડક પગલાં ન લેવા હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ

=> ગુનાહિત ઇતિહાસ ધરાવતા ફરિયાદી દ્વારા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી પોલીસકર્મીને ફસાવવાનું કાવતરું નિષ્ફળ

સિટી ન્યૂઝ@રાજકોટ

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ખોટી ફરિયાદો કરવાની ટેવ વાળા ઇસમોને કડક સંદેશ આપ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (FIR) મામલે સુનાવણી કરતા જસ્ટિસ એમ. આર. મેંગેડેની કોર્ટે નોંધ્યું છે કે, રેકોર્ડ પર એવી કોઈ જ બાબત કે પુરાવો નથી જે સાબિત કરતો હોય કે અરજદારે પ્રથમ માહિતી આપનાર (ફરિયાદી) ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય.

સમગ્ર મામલાની વિગત મુજબ, ફરિયાદી સ્મિત સખીયા અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. કોર્ટે નોંધ્યું છે કે આ વાતચીત દરમિયાન આઈપીસી (IPC) ની કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર ગુનો કરતા અવકાશ નહીં તેવા શબ્દોનો ઉલ્લેખ થયો હતો. જોકે, તેને સીધી હત્યાની ધમકી ગણી શકાય તેવા કોઈ તથ્યો રેકોર્ડ પર જોવા મળ્યા નથી.

મળતી માહિતી અનુસાર, ફરિયાદી પક્ષ દ્વારા સોશિયલ મીડિયાનો ભારે દુરુપયોગ કરી કોન્સ્ટેબલ ભગીરથસિંહ વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો અને ખોટો ગુનો દાખલ કરાવી તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ ખોટો ગુનો દાખલ થવાને પગલે ભગીરથસિંહની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી પણ કરી દેવામાં આવી હતી. પોતાની સામે થયેલી આ ખોટી કાર્યવાહીનો પર્દાફાશ કરવા અને ન્યાય મેળવવા કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નામદાર હાઈકોર્ટે માત્ર સ્મિત સખીયાની અરજી બાબતે ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપી હતી, પરંતુ ગુનો દાખલ કરવાનો કોઈ જ આદેશ કે ડાયરેક્શન આપ્યું ન હતું. આમ છતાં, ફરિયાદીએ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાઈકોર્ટે એફઆઈઆરનું પ્રાથમિક અવલોકન કર્યા બાદ ભગીરથસિંહ ઝાલાને વચગાળાની મોટી રાહત આપી છે. નામદાર કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે કે સુનાવણીની આગામી તારીખ, ૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી અરજદાર ભગીરથસિંહ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કડક કે દબાણયુક્ત પગલાં લેવામાં આવશે નહીં. હાઈકોર્ટનો આ આદેશ ખોટી ફરિયાદો કરીને કાયદાના રક્ષકોને જ નિશાન બનાવતા તત્વો માટે એક મોટી લપડાક સમાન છે.