Loading Please Wait !!!
નીટ પેપર લીકે લીધો પાંચમો જીવ

=> કર્ણાટકમાં વધુ એક વિદ્યાર્થિનીનો આપઘાત

=> રાહુલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું

સિટી ન્યૂઝ@બેંગલુરુ
કર્ણાટકના કલબુર્ગીમાં ૧૮ વર્ષની NEETની વિદ્યાર્થિનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થિનીની ઓળખ ભાગ્યશ્રી તરીકે થઈ છે. તેણે NEET-UGની પરીક્ષા આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. વિદ્યાર્થિનીના પિતા રાજશેખરે જણાવ્યું કે પરિવારમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહોતી અને દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી. ભાગ્યશ્રીએ હાલમાં ૧૨મીની પરીક્ષામાં ૯૨ ટકા ગુણ મેળવ્યા હતા અને NEETની પરીક્ષા પણ સારી ગઈ હતી.
NEET-UG પરીક્ષા દેશભરમાં ૫ મેના રોજ યોજાઈ હતી. જોકે, પેપર લીકના આરોપો બાદ ૧૬ મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ફરીથી પરીક્ષા ૨૧ જૂને યોજવાની જાહેરાત કરી છે. પરીક્ષા રદ થયા બાદ છેલ્લા ૧૨ દિવસમાં ૫ વિદ્યાર્થીઓ જીવ આપી ચૂક્યા છે.

આ તરફ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું- જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય અને NEET જેવા પેપર લીક રોકવા માટે ફૂલપ્રૂફ સિસ્ટમ નહીં બને, અમે શાંતિથી બેસીશું નહીં.

દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટ NEET-UG ૨૦૨૬ પેપર લીક કેસના આરોપી શુભમ ખેરનારને ૬ જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. CBIએ રવિવારે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પહેલા ૧૭ મેના રોજ કોર્ટ ખેરનાર સહિત પાંચ આરોપીઓને ૭ દિવસની CBI કસ્ટડીમાં મોકલ્યા હતા. ૨૦ મેના રોજ ખેરનારની CBI કસ્ટડી વધુ ૪ દિવસ લંબાવવામાં આવી હતી. એજન્સીએ કહ્યું હતું કે NEET-UG ૨૦૨૬ પેપર ખરીદનારા અન્ય આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તેની વધુ પૂછપરછ જરૂરી છે. કેસમાં અત્યાર સુધી દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુરથી ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

=> સંસદ સમિતિ સમક્ષ હાજર થયા NTA મહાનિર્દેશક

આ દરમિયાન ૨૧ મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશક અભિષેક સિંહે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થઈને NEET-UG પેપર લીક અને પરીક્ષા સિસ્ટમમાં સુધારા અંગે માહિતી આપી. સમિતિના સભ્યોએ પેપર લીક, પરીક્ષા સુરક્ષા, કમ્પ્યુટર આધારિત પરીક્ષા વ્યવસ્થા અને સિસ્ટમની ખામીઓ અંગે પ્રશ્નો પૂછ્યા. અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે આ મામલે CBI તપાસ ચાલુ છે અને તેનાથી સિસ્ટમની ખામીઓને ઓળખવામાં મદદ મળશે. કેન્દ્ર સરકાર અને NTA પરીક્ષા પ્રક્રિયાને ફૂલપ્રૂફ બનાવવા પર કામ કરી રહ્યા છે.

=> લાતૂરમાં NEET વિદ્યાર્થિનીનો આપઘાત

મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં ૧૭ મેના રોજ ૧૮ વર્ષની NEET વિદ્યાર્થિની મૈથિલી સોનવણેએ આપઘાત કરી લીધો હતો. તેના પિતાએ રવિવારે દાવો કર્યો હતો કે પેપર લીક અને પરીક્ષા રદ થવાને કારણે તે માનસિક તણાવમાં હતી. પરિવારના જણાવ્યા અનુસાર, મૈથિલી ડોક્ટર બનવા માંગતી હતી અને પરીક્ષા રદ થવાને કારણે તે ભવિષ્યને લઈને ચિંતિત હતી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

=> 12 દિવસ દરમિયાન વધુ 4 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

o  13 મે: ગોવાના મડગાંવમાં એક છોકરાએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે NEETની પરીક્ષા આપી હતી. સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે તે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા માંગતો નથી.

o  14 મે: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના ઋત્વિક મિશ્રાએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે જણાવ્યું કે NEETનું પેપર લીક અને પરીક્ષા રદ થવાથી તે ખૂબ જ પરેશાન હતો.

o  15 મે: દિલ્હીના આઝાદપુરમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન કોઈ સુસાઇડ નોટ મળી ન હતી.

o  16 મે: રાજસ્થાનમાં NEET વિદ્યાર્થી પ્રદીપ મેઘવાલે આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે જણાવ્યું કે તેને પરીક્ષામાં લગભગ ૬૫૦ માર્ક્સ આવવાની અપેક્ષા હતી. પરંતુ પરીક્ષા રદ થવાથી તે પરેશાન હતો.