Loading Please Wait !!!
મિડલ ક્લાસ લાચાર!

 
સિટી ન્યૂઝ@નવી દિલ્હી

તેલ કંપનીઓએ આજે ૨૫ મેના રોજ પેટ્રોલ ૨.૬૧ પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ પ્રતિ લિટર મોંઘું કર્યું છે. આ વધારા પછી દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૨.૧૨ અને ડીઝલની કિંમત ૯૫.૨૦ થઈ ગઈ છે.

ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળો અને રાશન મોંઘા થશે.

ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે. જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ ૭૦ ડોલર હતા જે હવે વધીને ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.

ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ વધારી શકાય છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે. આજે પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલ અને ડીઝલ લગભગ ૮ રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતા વિપક્ષી નેતાઓ લાલઘૂમ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પક્ષો સિવાય સામાન્ય લોકો પણ આ વધતી કિંમતથી પરેશાન દેખાઈ રહ્યા છે.

ભારત તેની જરૂરિયાતનું લગભગ ૮૦% ક્રૂડ વિદેશોમાંથી આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલા બેરલના હિસાબે પ્રતિ લિટર તેલની કિંમત નક્કી થાય છે.

ભાવવધારાથી જનતામાં ઉકળાટ

"મોદી સરકાર જનતાને એક જ ઝટકામાં નહીં, પણ ધીમે-ધીમે મારી રહી છે."

હવે ગાડી વેચવાનો વારો!

પેટ્રોલ 100 પાર થતાં લોકોમાં ભારે રોષ. અનેક લોકોએ કહ્યું કે હવે ગાડી ચલાવવી મોંઘી પડી રહી છે અને વાહન વેચવાની નોબત આવી ગઈ છે.

* 100 રૂપિયામાં લિટર પણ નહીં!

સામાન્ય લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે પહેલા 100 રૂપિયામાં વધુ પેટ્રોલ મળતું હતું, હવે એક લિટર પણ પૂરું નથી મળતું.

* ટેક્સી ડ્રાઈવરો પર ડબલ માર

ડીઝલના વધતા ભાવથી ટેક્સી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં. લોકોને ભાડા અને ખર્ચ બંને વધવાની ચિંતા.

* ઈંધણની કિંમતોમાં આ મહિને આ ચોથો વધારો છે

==> ૨૫ મેના રોજ પેટ્રોલ ૨.૬૧ પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ પ્રતિ લિટર મોંઘું.

==> ૨૩ મેના રોજ પેટ્રોલ ૮૭ પૈસા, ડીઝલ ૯૧ પૈસા મોંઘું કરવામાં આવ્યું હતું.

==> ૧૧ મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ ૯૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

==> ૧૫ મેના રોજ પણ કિંમતોમાં ૩ પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.