કોકરોચ પાર્ટીથી એટલા સેન્ટિમેન્ટલ ન બનો!: સુપ્રીમ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે 'કોકરોચ જનતા પાર્ટી' નામના સોશિયલ મીડિયા આંદોલન વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ ઓનલાઈન મૂવમેન્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની કોર્ટમાં કરાયેલી એક ટિપ્પણી બાદ કટાક્ષ તરીકે શરૂ થઈ છે. સુનાવણી દરમિયાન જ્યારે અરજદારના વકીલે દલીલ કરી કે આ સોશિયલ મીડિયા અભિયાનના કારણે ન્યાયતંત્રની છબી ખરાબ થઈ રહી છે, ત્યારે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની બેન્ચે તેમને શાંત પાડતા બહુ મહત્વની ટકોર કરી હતી કે, આ બાબતને આટલી બધી ભાવનાત્મક (સેન્ટિમેન્ટલ) રીતે લેવાની કોઈ જરૂર નથી.
સોમવારે જ્યારે આ અરજી ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. એમ. પંચોલીની બેન્ચ સામે આવી, ત્યારે વકીલ એન. કે. ગોસ્વામીએ દલીલ કરી કે આ સોશિયલ મીડિયા મૂવમેન્ટ ન્યાયતંત્રની છબીને ભારે નુકસાન પહોંચાડી રહી છે. આ સાંભળીને ચીફ જસ્ટિસે હસતા મુખે કહ્યું કે, Don't take it so sentimentally (આ બાબતને એટલી બધી ભાવુક થઈને ન લો). આમાં એવી કોઈ ગંભીર કટોકટી કે ઉતાવળ નથી.