Loading Please Wait !!!
જસદણ નજીક બે કાર અથડાતા બે ભાઈના મોત

સિટી ન્યૂઝ@જસદણ

જસદણ-ગોખલાણા રોડ પર કાર અને બોલેરો વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતા બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થતાં નિપજ્યા હતા જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જસદણ પોલીસે બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જસદણના ગોખલાણા ગામે બેરાણી ફળીયામાં રહેતા જયસુખભાઈ મધુભાઈ બેરાણી ઉ.૨૮એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૨૩ ના સાંજના તેને બાપુના દિકરા કેવલભાઈ બેરાણીનો ફોન આવેલ કે, ગોખલાણા-જસદણ રોડ ઉપર મહાદેવ જીન પાસે મારા ભાઈ રાજેશભાઈ બેરાણીની કારનું મહિન્દ્રા બોલેરો ગાડી સાથે અકસ્માત થયેલ છે, રાજેશભાઈ સાથે તારો ભાઈ ઘનશ્યામભાઈ બેરાણી જસદણ ગયા હતા જેથી તરત જ ઘનશ્યામભાઈને ફોન કરતા તેણે ફોન ઉપાડેલ નહિ.

બાદ કાકાના દિકરા રાજેશભાઈ બેરાણીને ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી જણાવેલ કે કાર તથા બોલેરો ગાડીનો અકસ્માત થયેલ છે જ્યાં હાજર કાકા બાબુભાઈ બેરાણીએ કહેલ કે, તારા ભાઈ ઘનશ્યામને અને રાજેશને વાહન અકસ્માતમાં ઈજા થયેલ છે જેથી ૧૦૮ મારફત દવાખાને રવાના કરેલ છે બાદ તેઓ તાત્કાલીક બાઈક લઈ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તબીબે રાજેશ માયાભાઈ બેરાણી ઉ.૨૮ તથા ઘનશ્યામભાઈ મધાભાઈ બેરાણી ઉ.૨૭ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જસદણ પોલીસે કાર નં.જીજે-૧૪-ઝેડ-૪૩૨૬ નંબરની બોલેરો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર બોલેરો કારમાં ડ્રાયવર સહીત પાંચ લોકો સવાર હતા.