Loading Please Wait !!!
ગુજરાતની ‘અવ્બલ’ સિદ્ધિ; ‘ખરાબ’ નેશનલ હાઈ-વેમાં દેશમાં નંબર 1

  • ખાડાવાળું ગુજરાત; કરોડોનો ટોલટેક્સ ચૂફવવા છતાં વાહનચાલકો પરેશાન
  • કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરના નેશનલ હાઈ-વેના સૌથી વધુ કિલોમીટર લંબાઈના ખરાબ રસ્તા ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત પ્રથમ ક્રમે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે)ની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ જર્જરિત અને ખખડધજ બની રહી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર, દેશભરમાં નેશનલ હાઈવેના સૌથી વધુ કિલોમીટર લંબાઈના ખરાબ રસ્તા ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત પ્રથમ ક્રમે (અવ્વલ) આવ્યું છે.વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસુલવામાં આવતો હોવા છતાં, હાઈવે પર મુસાફરી આરામદાયક બનવાને બદલે અત્યંત કષ્ટદાયક સાબિત થઈ રહી છે.કેન્દ્ર સરકારના આંકડા

મુજબ, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતમાં ૪૦૮ કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવે અત્યંત ખરાબ અને જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા મોટા ગાબડાં, બેસી ગયેલા રસ્તાઓ અને ખરાબ ડામરકામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતોનું જોખમ વધવાની સાથે વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.ગુજરાતમાં સમારકામની જરૂર હોય તેવા નેશનલ હાઈવેની લંબાઈ દર વર્ષે સતત વધી રહી છે. ૨૦૨૩-૨૪માં ૩૨ કિ.મી, ૨૦૨૪-૨૫માં ૨૧૦ કિ.મી. અને ૨૦૨૫-૨૬માં ૪૦૮ કિ.મીનો સમાવેશ થાય છે. માત્ર બે જ વર્ષના ગાળામાં

ખરાબ રસ્તાઓની લંબાઈ ૩૨ કિલોમીટરથી વધીને ૪૦૮ કિલોમીટર સુધી પહોંચી ગઈ છે, જે માર્ગ નિર્માણ અને જાળવણીની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે.આ પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તમામ ક્ષતિગ્રસ્ત હાઈવે વિસ્તારને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવા તાત્કાલિક રીપેરીંગ અને રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. રસ્તાની ડિઝાઇન, નિર્માણ, તેમજ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના તમામ તબક્કે સમયાંતરે રોડ સેફટી ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. અયોગ્ય સાઈન બોર્ડ, માર્કિંગ કે અંદરપાર્સામાં રહેલી ખામીઓ દૂર કરવા સમયમર્યાદામાં કામગીરી

કરવામાં આવે છે. કરારની શરતોનું પાલન ન કરનાર કે ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ જનાર એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે દંડ, કોન્ટ્રાક્ટ રદ કરવા અને બ્લેકલિસ્ટ કરવા જેવા કડક પગલાં ભરવામાં આવે છે.જાણકારો કહે છે કે, એક સમય હતો જ્યારે ગુજરાતના શ્રેષ્ઠ રસ્તાઓ અને ઉત્તમી માળખાકીય સુવિધાઓના દેશભરમાં વખાણ થતાં હતાં. પરંતુ વર્તમાન સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ આપવા છતાં પ્રજાને ખરાબ રસ્તાઓનો ભોગ બનવું પડી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા કાગળ પરની યોજનાઓ બદલે નક્કર કામગીરી થાય તે અત્યંત જરૂરી બન્યું છે.