Loading Please Wait !!!
RTOમાં વાહન ટ્રાન્સફરની સમસ્યા દૂર કરો: મયુર શાહ

વાહન વેચ્યા બાદ પણ નામ ટ્રાન્સફર ન થતાં વેચાણકારો પરેશાન; સોફ્ટવેર અપડેટમાં વિલંબ અંગે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ; વાહન વેચ્યા બાદ અકસ્માત થાય તો જવાબદારી કોની?

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ RTO ખાતે વાહન ટ્રાન્સફરની કામગીરીને લઈને વાહન વેચાણકારો અને ખરીદદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનો મુદ્દો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે ઉઠાવ્યો છે. વાહન વેચી દીધા બાદ પણ અનેક કિસ્સામાં નામ ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ ન થતી હોવાથી જૂના માલિકોને વારંવાર RTO કચેરીના ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.

મયુર શાહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાહન સંબંધિત સેવાઓ ઓનલાઈન અને સરળ બનાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સોફ્ટવેર અથવા ટેકનિકલ સમસ્યાના કારણે વાહન ટ્રાન્સફર જેવી મૂળભૂત કામગીરી સમયસર ન થાય તો તેની જવાબદારી કોની તે સ્પષ્ટ થવું જોઈએ. VAHAN વ્યવસ્થામાં Transfer of Ownership માટે ઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં રાજકોટ RTO ખાતે વ્યવહારુ મુશ્કેલીઓ યથાવત હોવાનો તેમણે સવાલ ઉઠાવ્યો હતો.

મયુર શાહે વધુમાં સવાલ કર્યો હતો કે વાહન વેચી દીધા બાદ પણ નામ ટ્રાન્સફર ન થાય અને આ સમય દરમિયાન વાહનથી કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? સોફ્ટવેર અપડેટ અને ટેકનિકલ ખામી દૂર કરવામાં આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે તે અંગે પણ RTO અને સંબંધિત તંત્ર સ્પષ્ટતા કરે તેવી માંગ કરી છે.તેમણે રાજકોટ RTOમાં વાહન ટ્રાન્સફરની ટેકનિકલ સમસ્યા તાત્કાલિક દૂર કરવા, સોફ્ટવેર અપડેટ માટે સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવા અને પેન્ડિંગ ટ્રાન્સફર અરજીઓ ઝડપી નિકાલ કરવાની માંગ કરી છે.સાથે જ વાહન વેચી ચૂકેલા જૂના માલિકોને બિનજરૂરી RTO ધક્કામાંથી મુક્તિ આપવા તથા ટેકનિકલ સમસ્યા દૂર થાય ત્યાં સુધી નાગરિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

મયુર શાહે જણાવ્યું હતું કે રાજકોટના નાગરિકોને ઓનલાઈન સુવિધાના નામે વધુ મુશ્કેલી નહીં પરંતુ ખરેખર સરળ અને ઝડપી સેવા મળવી જોઈએ.