રાજકોટમાં અનાજ દળવાનું મોંધુ
રાજકોટની 700 ફ્લોર મિલમાં અનાજ દળવાના ભાવમાં કિલોએ રૂ.1નો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે; કારોબારી બેઠકમાં સર્વાનુમતે ભાવવધારા પર મોહર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના નાગરિકો અને ગૃહિણીઓ માટે મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાજકોટ ફ્લોર મિલ એસોસિએશન દ્વારા ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) થી અનાજ દળવાના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧ નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવો ભાવવધારો શહેરની ૭૦૦થી વધુ ફ્લોર મિલો પર સમાન રીતે લાગુ થશે. અગાઉ ૧ કિલો અનાજ દળવાનો ભાવ ૬ હતો, હવે વધીને ૭ થયો છે. ઘઉં, બાજરી, જુવાર, ચણાની દાળ અને અડદની દાળ સહિતના તમામ અનાજ દળવા પર આ વધારો લાગુ પડશે. વર્ષ ૨૦૧૬માં અનાજ દળવાનો ભાવ ૫ હતો, જે ૨૦૨૨માં વધારીને ૬ કરાયો હતો અને હવે ૨૦૨૬માં ૬ કરવામાં આવ્યો છે. છેલ્લા ૪ વર્ષથી વધી રહી રહેલી મોંઘવારી, વીજ બિલ (લાઈટ બિલ) માં થયેલો સતત વધારો તેમજ અન્ય મેન્ટેનન્સ ખર્ચ વધવાને કારણે એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ફ્લોર મિલ એસોસિએશનના અધ્યક્ષ પ્રભાત આહીર, પ્રમુખ અતુલ રાજાણી, ઉપપ્રમુખ હિતેશ બગડાઈ અને મંત્રી રાજેન્દ્રસિંહ વાળાની આગેવાની હેઠળ ગત ૫ ઓગસ્ટના રોજ મળેલી કારોબારી બેઠકમાં સર્વાનુમતે આ ભાવવધારા પર મોહર મારવામાં આવી હતી. ૧૫ ઓગસ્ટથી અમલી બનનારા આ નિર્ણયથી ગૃહિણીઓના માસિક બજેટ પર સીધી અસર પડશે.