Loading Please Wait !!!
ભારત-વર્લ્ડ બેંક લોન અંગેનો દાવો ખોટો

 

  • સોશિયલ મીડિયા પર વાયરલ દાવાની સત્યતા સપાટી પર

  • તાજેતરમાં નહીં પરંતુ દાયકાઓથી ભારત ટોપ ગ્રાહક

  • લોનની રકમ સાથે અર્થવ્યવસ્થાનું કદ સરખાવવું જરૂરી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે પાકિસ્તાનને પાછળ છોડીને વર્લ્ડ બેંક પાસેથી સૌથી વધુ લોન લેનાર દેશ બનવાનું સ્થાન મેળવ્યું છે. ફેક્ટ ચેક અને સત્તાવાર આંકડાઓની તપાસ કરતા આ દાવો માત્ર અડધું સત્ય દર્શાવતો હોવાનું સામે આવ્યું છે.

વાસ્તવમાં ભારત કોઈ તાજેતરમાં કે અચાનક જ સૌથી મોટો દેવાદાર દેશ નથી બન્યો. ભારત વર્ષ 1969 થી જ વર્લ્ડ બેંકનો સૌથી મોટો ગ્રાહક અને લોન મેળવનાર દેશ રહ્યો છે, તેથી આ તાજેતરનો નવો ફેરફાર હોવાનો દાવો પાયાવિહોણો સાબિત થાય છે.

 દાવો અને વાસ્તવિકતા : 1969થી સૌથી મોટો ગ્રાહક

સોશિયલ મીડિયા પર થયેલાં દાવાથી વિપરીત, ભારતે પાકિસ્તાનને હમણાં તાજેતરમાં પાછળ નથી છોડ્યું. વર્લ્ડ બેંકના ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે ભારત 1969માં જ વર્લ્ડ બેંકનો સૌથી મોટો બોરોઅર (ધિરાણ લેનાર) દેશ બની ગયો હતો.

ત્યારથી લઈને અત્યાર સુધી ભારતે પોતાના દેશના વિકાસ માટે વર્લ્ડ બેંક પાસેથી સતત નાણાકીય મદદ લીધી છે. તેથી આ કોઈ તાજેતરની આર્થિક કટોકટી નથી, પરંતુ દાયકાઓથી ચાલી આવતી એક વિકાસલક્ષી પ્રક્રિયાનો ભાગ છે.

ભારતનાં દેવામાં તાજેતરમાં થયેલો ઘટાડો
માર્ચ 2026ના તાજેતરનાં આંકડા મુજબ ભારત પર વર્લ્ડ બેંકનું બાકી દેવું લગભગ 34.35 અબજ ડોલર છે. ખાસ વાત એ છે કે વર્ષ 2020માં ભારતનું આ દેવું આશરે 39.6 અબજ ડોલર હતું, જેમાં 2026 સુધીમાં 5 અબજ ડોલર લગભગ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દર્શાવે છે કે ભારત માત્ર નવી લોન લેતું નથી પરંતુ પોતાની જૂની લોનની મુદતસર ચૂકવણી પણ ઝડપથી કરી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં જમીન-આસમાનનો તફાવત
જો માત્ર લોનની રકમ સરખાવીએ તો ભારતનું 34.35 અબજ ડોલરનું દેવું પાકિસ્તાનનાં આશરે 20 અબજ ડોલરના દેવા કરતાં મોટું દેખાય છે. પરંતુ ભારતની અર્થવ્યવસ્થા (GDP) આશરે 3.96 ટ્રિલિયન ડોલર છે.

જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માત્ર 407 અબજ ડોલર છે એટલે કે ભારતનું અર્થતંત્ર પાકિસ્તાન કરતાં 10 ગણું મોટું છે. આથી, વિશાળ અર્થતંત્ર હોવાને કારણે ભારત માટે આ લોન ચૂકવવાની ક્ષમતા પાકિસ્તાન કરતાં ઘણી વધારે છે.

લોનનો હેતુઃ દેશનો વિકાસ કે આર્થિક સંકટ?
ભારતે આ લોનનો ઉપયોગ 1949થી લઈને આજ સુધી દેશનાં નિર્માણમાં કર્યો છે, જેમાં રેલવે, હરિયાળી ક્રાંતિ, સ્ટીલ અને પાવર પ્લાન્ટ્સ, નેશનલ હાઇવે અને સ્વચ્છ ઊર્જા જેવા મોટા પ્રોજેક્ટ્સ શામેલ છે.

બીજી તરફ, પાકિસ્તાન પોતાની ડામાડોળ અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે લોન લેવા મજબૂર બને છે. આમ, ભારત માટે આ લોન ભવિષ્યનું રોકાણ છે, જ્યારે પાકિસ્તાન માટે તે લાચારીનું સાધન છે.

નવી લોન મેળવવી અને જૂની લોન ચૂકવવી 
વર્લ્ડ બેંક દ્વારા જૂન 2026માં ભારત માટે 1.5 અબજ ડોલરની નવી લોન મંજૂર કરવામાં આવી છે, છતાં પણ ભારતનું કુલ બાકી દેવું ઘટી રહ્યું છે. આનું કારણ એ છે કે ભારત જેટલી નવી લોન મેળવે છે તેના કરતાં વધુ રકમ જૂની લોનની ચુકવણી રૂપે બેંકને પાછી આપી રહ્યું છે. તેથી વર્લ્ડ બેંક ભારતને એક અત્યંત વિશ્વસનીય અને જવાબદાર દેશ ગણે છે.

દેવાનો બોજ સમજવો જરૂરી
કોઈપણ દેશ પર લોનનો કેટલો બોજ છે તે જાણવા માટે તેની કુલ આવક સાથે દેવાની સરખામણી કરવી પડે છે. ઉદાહરણ તરીકે, 100 કરોડની આવક ધરાવતી કંપની માટે 10 કરોડનું દેવું આસાનીથી ચૂકવી શકાય તેમ છે, પણ 10 કરોડની આવકવાળી કંપની માટે 5 કરોડનું દેવું પણ ભારે પડી શકે છે. તેવી જ રીતે, ભારતની આશરે 4 ટ્રિલિયન ડોલરની જીડીપી સામે વર્લ્ડ બેંકનું દેવું ખૂબ જ નાનું અને સલામત સ્તરે છે.

ચીન અને અન્ય દેશો સાથે સરખામણી
વર્લ્ડ બેંક પાસેથી કયો દેશ કેટલી લોન લે છે તે દેશનાં કુલ દેવાનો આંકડો નથી દર્શાવતું. દાખલા તરીકે, ચીન ભારત કરતાં ઘણી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે છતાં વર્લ્ડ બેંક પાસે તેનું બાકી દેવું માત્ર 13.87 અબજ ડોલર જ છે, કારણ કે ચીન નાણાં ઊભા કરવા માટે અન્ય વૈશ્વિક સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પાસે પણ વર્લ્ડ બેંકના મોટા પોર્ટફોલિયો છે.

વર્લ્ડ બેંક સાથે ભારતનો બદલાતો સંબંધ
આઝાદી પછી 1949માં ભારતે રેલવે માટે 3.4 કરોડ ડોલરની પ્રથમ લોન લીધી હતી, ત્યારે ભારત એક ગરીબ દેશ હતો. આજે 2026માં ભારત એક ગરીબ દેશમાંથી વધીને ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે.

ભારત હવે ગરીબ દેશો માટે મળતી સબસિડીવાળી સહાય (IDA) પર નિર્ભર નથી, પરંતુ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઈવેટ સેક્ટરના વિકાસ માટે જ વ્યાવસાયિક ધોરણે લોન લે છે.