રાજકોટમાં તિરંગાયાત્રા લોકકલા સંસ્કૃતિ જીવંત થઈ
- બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરી જ્યુબિલી ગાર્ડન અને પૂજ્ય ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ
- વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, એનએસએસના વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા
સિટી ન્યૂઝ@રાજકોટ
મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગાની શાન, દેશની આન-ગોરવંતા ભાવ સાથે આ ભવ્ય તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, એનએસએસના વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. તિરંગા યાત્રાના રૂટ પર વિવિધ કલાકારો, છાત્રોના સહયોગથી ગુજરાતની સમૃદ્ધ લોક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો, દેશભક્તિના ગીતો, કલાસીકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ અને ડાંગી નૃત્ય સહિતની વિવિધ રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તિરંગા યાત્રાના રૂટ પર અલગ અલગ સ્થળોએ આઠ જેટલા વિશેષ સ્ટેજ પર કલાકારો દ્વારા લોકનૃત્ય અને લોકસંગીતની રજૂઆતો કરાઈ હતી. ગુજરાતની લોકફ્લાથી લઈને રાજસ્થાની લોકસંસ્કૃતિ સુધીના વિવિધ રંગો સાથે સમગ્ર યાત્રા એક વિશાળ સાંસ્કૃતિક મહોત્સવ રૂપે દેખાતી હતી. દેશભક્તિનો જુવાળ જગાવતી આ તિરંગા યાત્રામાં મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દર્શાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળીયા, કમિશ્નર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, અધિકારીઓ, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.