મંગળ ગ્રહ પર દેખાયો રહસ્યમય 'દરવાજો', નાસાના રોવરે લીધી મંગળની અનોખી તસવીર
-
ક્યુરિઓસિટી રોવરની નવી પેનોરમા તસવીરે ચર્ચા જગાવી
-
વૈજ્ઞાનિકોએ એલિયન સભ્યતાના દાવાઓને ફગાવ્યા
-
ખડકોના કુદરતી ઘસારા અને તિરાડોથી બનેલી આકૃતિ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
શું ભૂતકાળમાં મંગળ ગ્રહ પર કોઈ સભ્યતા કે જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હતી? નાસાના ક્યુરિઓસિટી રોવર દ્વારા લેવાયેલી એક નવી તસવીર સામે આવ્યા બાદ આ સવાલ ફરી એકવાર વૈજ્ઞાનિક જગત અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જુલાઈ 2026 ના અંતમાં રોવરે મંગળના ‘માઉન્ટ શાર્પ’ વિસ્તારમાંથી કેટલીક તસવીરો લીધી હતી. આ તસવીરોને જોડીને બનાવેલા એક મોટા પેનોરમામાં ખડકની વચ્ચે દરવાજા જેવી ઘાટા રંગની આકૃતિ જોવા મળી છે.
તસવીર વાયરલ થયા બાદ યુએફઓ અને એલિયન્સ અંગે સંશોધનનો દાવો કરતા સ્કોટ્સ સી. વારિંગ નામના સંશોધકે દાવો કર્યો હતો કે તસવીરમાં દેખાતી આકૃતિ કોઈ ગુફા કે બંકરના દરવાજા જેવી લાગે છે. તેમના મતે આ દરવાજો અંદાજે 6.6 ફૂટ ઊંચો અને 3.3 ફૂટ પહોળો હોઈ શકે છે. જોકે, માત્ર દૂરની તસવીરો જોઈને ચોક્કસ માપ નક્કી કરવું શક્ય નથી.
નાસાના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે મંગળ પર પ્રાચીન એલિયન સભ્યતા હોવાના કે કોઈ દરવાજા જેવા બાંધકામના કોઈ પુરાવા મળ્યા નથી. આ આકૃતિ કુદરતી રીતે ખડકોના તૂટવા, તેમાં પડી રહેલી તિરાડો અને વર્ષો સુધી પવન તથા વાતાવરણના કારણે થયેલા ઘસારાને કારણે બની છે. પૃથ્વી પર પણ આવી કુદરતી પથ્થરની આકૃતિઓ ઘણી જગ્યાએ જોવા મળે છે.
આ પહેલીવાર નથી જ્યારે મંગળ પર દરવાજો દેખાયો હોય. વર્ષ 2022 માં પણ ક્યુરિઓસિટી રોવરની તસવીરમાં આવી જ દરવાજા જેવી આકૃતિ દેખાઈ હતી. જોકે, પાછળથી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તે માત્ર 12 ઈંચ ઊંચો અને 16 ઈંચ પહોળો એક નાનો કુદરતી પથ્થરનો કાપો જ હતો.
વૈજ્ઞાનિકો આ પ્રકારની ઘટનાને ‘પેરેડોલિયા’ તરીકે ઓળખાવે છે. માનવ મગજની આ એક એવી ક્ષમતા કે માનસિક પ્રક્રિયા છે, જેમાં તે કોઈ પણ અસ્પષ્ટ કે સાધારણ કુદરતી આકૃતિમાં આપણી જાણીતી વસ્તુઓ---જેમ કે ચહેરો, દરવાજો કે આકાર---જોવા લાગે છે. હાલ પૂરતું, નાસાએ આ તસવીરને કેવળ એક કુદરતી પથ્થરની રચના ગણાવી છે અને એલિયન સભ્યતાના દાવાઓને ફગાવી દીધા છે.
મંગળ પર દેખાયેલા દરવાજાનું નાસાએ જણાવ્યું સત્ય
મંગળના માઉન્ટ શાર્પ વિસ્તારમાંથી નાસાના ક્યુરિઓસિટી રોવર દ્વારા લેવાયેલી તસવીરમાં દરવાજા જેવી આકૃતિ દેખાતા સોશિયલ મીડિયા પર એલિયન્સ અંગે ચર્ચાઓ જાગી છે. જોકે, નાસાના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ એલિયન બંકર નથી પરંતુ પવન અને હવામાનના ઘસારાથી પથ્થરોમાં પડેલી કુદરતી તિરાડ છે. માનવ મગજની અસ્પષ્ટ આકૃતિઓમાં જાણીતા આકારો જોવાની 'પેરેડોલિયા' માનસિક પ્રક્રિયાને કારણે આવો ભાસ થાય છે.