પંચનાથ મહાદેવ મંદિર 150 વર્ષ જૂનું છે
- પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટમાં તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ ના જયઘોષથી ગુંજી ઉઠ્યા
- શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવા માટે વ્યવસ્થા
સિટી ન્યૂઝ@રાજકોટ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે રંગીલા રાજકોટના તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા છે. રાજકોટના હૃદયસમા અને શ્રદ્ધાના કેન્દ્ર ગણાતા પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસની પવિત્ર શરૂઆતે શિપૂજાના દર્શન અને આશીર્વાદ મેળવીને શિવભક્તો ભાવવિભोर અને ધન્ય બન્યા હતા.
રાજકોટ સ્થિત પંચનાથ મહાદેવનું મંદિર અંદાજે ૧૫૦ વર્ષ જેટલું પ્રાચીન અને ऐतिहासिक મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર
અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. જેને લઈને ભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવની પૂજા-અર્ચના કરતા નજરે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દિવસભર પંચનાથ દાદાનો વિવિધ મનોહર શણગાર અને વિશેષ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ મહિનાના આ પ્રથમ દિવસે માત્ર પંચનાથ જ નહીં, પરંતુ રાજકોટના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. શિવભક્તોની સુરક્ષા અને સુચારુ દર્શન માટે મંદિરોમાં વિશેષ બેરિકિંગ અને વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની આરાધના, જપ અને તપ માટે રાજકોટ શહેર સંપૂર્ણપણે શિવમય રંગમાં રંગાઈ ગયું છે.