Loading Please Wait !!!
રાજકોટ તિરંગા યાત્રામાં મંત્રીઓ-નેતાઓની ગેરહાજરી; કુછ તો ગરબડ હૈ ?

  • આજે એક મંત્રી નહીં
  • 2024 માં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, CM, CR પાટીલ હાજર રહ્યા હતા
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આજે બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, યાત્રામાં સ્થાનિક નેતાઓ સિવાય સરકારના કોઈ મંત્રી કે મોટા નેતા હાજર ન રહેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની ગેરહાજરી નોંધપાત્ર રહી હતી. સરકારમાંથી એક પણ મંત્રી ઉપસ્થિત ન રહેતા રાજકોટની સ્થાનિક નેતાગીરી  સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

તિરંગા યાત્રામાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોવિંદ પટેલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નહોતા.

બીજી તરફ, યાત્રાના સ્ટેજ પર અધિકારીઓની હાજરી વધુ જોવા મળી હતી. રાજકોટ રેન્જ IG નિલીમ રાય, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, JCP ચૈતન્ય માંડલીક, કલેક્ટર ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી પ્રથમ હરોળમાં જોવા મળ્યા હતા.

રાષ્ટ્રીય પર્વ સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોની અપેક્ષિત હાજરી ન રહેતા હવે રાજકોટની તિરંગા યાત્રા કરતા તેની ગેરહાજરી વધુ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને રાજકોટના પ્રભારી મંત્રી સહિત સરકારના એકપણ મંત્રી હાજર ન રહેતા સ્થાનિક રાજકારણમાં આ અંગે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે