Loading Please Wait !!!
ભેળસેળિયાઓ પર તૂટી પડશે મહાપાલિકા રાજકોટમાં ‘ફૂડ વોર’ શરૂ!

  • ફૂડમાં ફ્રોડ બંધ કરો | મેયર નેહલ શુક્લની મોટી જાહેરાત
  • ફાસ્ટ ફૂડમાં ઝેર મિક્સ કરનારાઓ સાવધાન કડક ઝુંબેશ કરાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં વધતી ભેળસેળની સમસ્યાને ગંભીરતાથી લઈને મેયર નેહલ શુક્લાએ મોટો નિર્ણય લીધો છે. શહેરની પ્રજાના આરોગ્ય પર ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શુદ્ધ ફૂડ માટે વિશેષ મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે.

મેયરે સ્પષ્ટ જણાવ્યું છે કે ફાસ્ટ ફૂડ સહિતના ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતી દુકાનો અને વેપારીઓ સામે હવે શૂન્ય સહનશીલતા રાખવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ મહાપાલિકાની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ચકાસણી કરશે અને જ્યાં ભેળસેળ કે અશુદ્ધતા મળશે ત્યાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

ખાસ કરીને રસ્તા પર મળતા ફાસ્ટ ફૂડ, નાસ્તા અને ખાણીપીણીની વસ્તુઓમાં ગુણવત્તા જાળવવા માટે સેમ્પલિંગ, લાયસન્સ ચેકિંગ અને હાઈજીનની ચકાસણી કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે દંડ, સીલિંગ અથવા લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

મેયર નેહલ શુક્લાએ શહેરવાસીઓને પણ અપીલ કરી છે કે તેઓ સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક પસંદ કરે અને જો ક્યાંય ભેળસેળ અથવા અશુદ્ધતા જોવા મળે તો તાત્કાલિક મહાપાલિકાને જાણ કરે.

રાજકોટમાં આ મહાઝુંબેશ શરૂ થતાં હવે ભેળસેળિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ થાય તે માટે મહાપાલિકાનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.