Loading Please Wait !!!
15મીએ અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી

  • ગુજરાતના ખેડૂતો સામે અન્યાય
  • કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનું આહવાન
  • વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ
  • સરકાર પાસે શું માંગણી : જંત્રી દરના ચાર ગણા વળતર,
  • અથવા પ્રતિ વીજપોલ દર મહિને 30,000 ભાડું અથવા વન-ટાઈમ સેટલમેન્ટ તરીકે પ્રતિ વીજપોલ 2 કરોડ

સિટી ન્યૂઝ@મોરબી

મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે ૭ જૂનની રાત્રે ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ સભામાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ દ્વારા અપૂરતા વળતર સામે વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે, ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે અને વીજપોલ ઉભા કરી રહી છે. પરંતુ, તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. વળતર ચૂકવ્યા વગર કામગીરી થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બે દિવસ અગાઉ જેતપર ગામે કંપનીના માણસો વળતર વિના વીજપોલ ઉભા કરવા આવ્યા ત્યારે, ખેડૂતોએ તેમને કામ કરવા દીધું ન હતું. જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

સભામાં જેતપરના ખેડૂત આગેવાન મેહુલ અમૃતિયાએ માંગ કરી હતી કે, વીજપોલ અને વીજ વાયર પસાર થતાં કોરિડોર માટે પહેલાં વળતર ચૂકવવામાં આવે અને પછી જ કામ શરૂ કરવામાં આવે. તેમણે ૧૮૦-૨૮૦ અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપવાની પણ માંગ કરી હતી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણી મૂકવામાં આવશે. જંત્રી દરના ચાર ગણા વળતર, અથવા પ્રતિ વીજપોલ દર મહિને ૩૦,૦૦૦ ભાડું, અથવા વન-ટાઈમ સેટલમેન્ટ તરીકે પ્રતિ વીજપોલ ૨ કરોડ.

આગામી ૧૫મી તારીખે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદથી ગાંધીનગર સુધી એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલભાઈ આંબલિયાએ જેતપર સહિત સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતોને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.