Loading Please Wait !!!
મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર 500 કરોડના ખર્ચે ભવ્ય બનશે

-=- કંઈક આવું દેખાશે મંદિર: બે વર્ષમાં કામ પૂર્ણ કરી લેવામાં આવશે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

રાજ્ય સરકાર અને BMCએ મુંબઈના પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિરના રીડેવલપમેન્ટનો પ્લાન અમલમાં મૂક્યો છે. એના પરંપરાગત આર્કિટેક્ચરને જાળવીને ૪૯૩ કરોડ રૂપિયાના ખર્ચે થનારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મેયર રિતુ તાવડે અને નાયબ મેયર સંજય ઘાડી સહિત મંદિરના ટ્રસ્ટીઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ રીડેવલપમેન્ટ મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, સેફ્ટી અને અન્ય ફેસિલિટીને સુધારવા તૈયાર કરેલી યોજનાનો એક ભાગ છે. ભૂમિપૂજન બાદ દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર નવા મંદિરના મોડલના કેટલાક ફોટો પણ શેર કર્યા હતા. એમાં દર્શાવવામાં આવ્યું હતું કે રીડેવલપમેન્ટ પૂરું થયા પછી અપગ્રેડ કરાયેલું મંદિર કોમ્પ્લેક્સ કેવું દેખાશે.

સાથે જ તેમણે લખ્યું હતું કે 'આપણું શ્રી સિદ્ધિવિનાયક મંદિર સંકુલ અને પરિસર આ દેખાવ અને અપગ્રેડેશન મેળવવા માટે તૈયાર છે. અમે આજે એનું ભૂમિપૂજન કર્યું છે. ગણપતિબાપ્પા મોર્યા.' આ રીડેવલપમેન્ટ ૩ તબક્કામાં કરવામાં આવશે, જેમાં ફક્ત પહેલા તબક્કાનો ખર્ચ ૭૮.૦૧ કરોડ રૂપિયા થશે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં નવા સફેદ માર્બલનાં આર્ટિસ્ટિક કોતરણીવાળાં પ્રવેશદ્વારો, ઘુમ્મટનું નિર્માણ, દર્શનાર્થીઓની લાઈન માટે નવા રૂફ સાથે કવર કરેલા ક્યૂ કોરિડોર, વૉકવે વગેરે કરવા ઉપરાંત મંદિરની અંદરની અને બહારની દીવાલો પર નવા પથ્થર બેસાડવામાં આવશે અને ૧૨૪ વાહનોની ક્ષમતા ધરાવતા બે ફ્લોરનું પાર્કિંગ બનાવવામાં આવશે. પ્રારંભિક કાર્યો માટે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ મેસર્સ એન્જિનિયર્સ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. પહેલા તબક્કાનું કામ ૨૪ મહિનામાં પૂરું કરી લેવામાં આવશે.

-=- નવો દરવાજો, મફત ભોજન સેવાનું આયોજન

દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોવાથી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ક્રાઉડ-મેનેજમેન્ટ અને સુવિધાઓમાં મોટા પ્રમાણમાં સુધારો કરવાનો છે. બીજા અને ત્રીજા તબક્કામાં ભીડ ઓછી કરવા અને એન્ટ્રી અને એક્ઝિટના માર્ગોને સુવ્યવસ્થિત કરવા માટે કાકાસાહેબ ગાડગીલ માર્ગ પર એક નવો રિદ્ધિ ગેટ શરૂ કરવામાં આવશે. ભક્તોને મફત ભોજન માટે અન્નદાન સેવા પણ શરૂ કરવાની યોજના છે.

-=- મંદિરની આજુબાજુ રહેતા 140 મરાઠી પરિવારમાં રોષ

-=- 4 વર્ષથી બેઘર થયેલા પરિવારને હક્ક આપો

સિદ્ધિવિનાયક મંદિરની ભવ્ય નવનિર્માણ યોજના વચ્ચે મંદિર વિસ્તારની નજીક રહેતા વિસ્થાપિત ૧૪૦ મરાઠી પરિવારોના એક ગ્રુપે તેમના લાંબા સમયથી પડતર રીડેવલપમેન્ટ અને રહેઠાણના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દાદર મુંબઈકર નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વિડિયોમાં મંદિરની નજીક પુષ્પોત્તમવાડીના રહેવાસીઓએ દાવો કર્યો છે કે સિદ્ધિ વિનાયક મંદિર પરિસરની અમારી વાડીના પુનર્વિકાસના મુદ્દાઓ અને અન્ય પડતર બાબતોને કારણે લગભગ ૧૪૦ મરાઠી પરિવારો પ્રભાવિત થયા છે જેને લીધે ઘણા પરિવારોને પોતાના ખર્ચે બીજે રહેવાની ફરજ પડી રહી છે. એક રહેવાસીએ કહ્યું હતું કે 'સરકાર પાસે સિદ્ધિવિનાયક મંદિરની જાળવણી માટે ૫૦૦ કરોડ રૂપિયા છે, પરંતુ મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે, છેલ્લાં ૪ વર્ષથી બેઘર થઈ ગયેલા ૧૪૦ મરાઠી પરિવારોને તેમના હકનાં ઘરો પૂરાં પાડવા માટે પૈસા નથી. તેમની પાસે કોઈ યોજના કે યંત્રણા નથી. વિધાનભવનમાં મોટી મોટી મીટિંગો થાય છે અને કહેવાય છે કે અમે પાઘડીમુક્ત મુંબઈ કરીશું. શું આવી જ રીતે તમે પાઘડીમુક્ત મુંબઈ કરવાના છો?'