વૈશ્વિક સ્તરે રઘુવંશી સમાજનું ગૌરવ, ભારત-યુગાન્ડા વચ્ચે વ્યાપાર વધશે
=> યુગાન્ડાના કેબિનેટમાં રઘુવંશી અગ્રણી સંજય તન્નાની નિમણૂક
=> રાષ્ટ્રપતિ મુસેવેનીએ વેપાર, ઉદ્યોગ અને સહકાર મંત્રાલયનો મહત્વનો કાર્યભાર સોંપ્યો
=> નવા કેબિનેટ ફેરબદલમાં 30 કેબિનેટ અને 51 રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ
સિટી ન્યૂઝ@રાજકોટ
આફ્રિકાના હૃદય સમાન યુગાન્ડા દેશમાંથી વૈશ્વિક ગુજરાતી અને રઘુવંશી સમુદાય માટે ગર્વ લેવા જેવા ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા મંત્રીમંડળમાં ભારતીય મૂળના રઘુવંશી અગ્રણી અને ઉદ્યોગપતિ સંજય તન્નાની કેબિનેટ મંત્રી તરીકે ઐતિહાસિક વરણી કરવામાં આવી છે. તેમને દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન અત્યંત મહત્વનો ગણાતો વેપાર, ઉદ્યોગ અને સહકાર (Trade, Industry and Cooperatives) વિભાગ સોંપવામાં આવ્યો છે.
સંજય તન્ના યુગાન્ડાના બિઝનેસ અને રાજકીય જગતમાં ખૂબ જ આદરણીય નામ ધરાવે છે. તેઓ અગાઉ તોરોરો મ્યુનિસિપાલિટી વિસ્તારમાંથી સાંસદ સભ્ય તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે. વિદેશની ધરતી પર આટલા મોટા કેબિનેટ હોદ્દા પર પહોંચીને સંજય તન્નાએ વૈશ્વિક સ્તરે રઘુવંશી સમાજ અને ગુજરાતીઓની નેતૃત્વ ક્ષમતાનો ડંકો વગાડ્યો છે. ફ્રાન્સિસ મ્વેબેસાના સ્થાને વ્યાપાર મંત્રી બનેલા સંજય તન્ના આગામી દિવસોમાં યુગાન્ડાના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સાથે વૈશ્વિક વ્યાપાર વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.
આ નિમણૂકથી ભારત અને પૂર્વ આફ્રિકાના દેશો વચ્ચે, ખાસ કરીને ગુજરાત અને યુગાન્ડા વચ્ચેના વ્યાપારી સંબંધોને એક નવી દિશા મળશે. ૧૯ મી સદીના અંતમાં હજારો ભારતીયો રેલવે લાઈનના નિર્માણ અને વ્યાપાર અર્થે યુગાન્ડા ગયા હતા. માધવાણી અને મહેતા જેવા ગુજરાતી પરિવારોએ યુગાન્ડાના ઔદ્યોગિકીકરણમાં મોટું યોગદાન આપ્યું છે. ભારત એ યુગાન્ડાના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાંનો એક છે. યુગાન્ડામાં ભારતીય ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલું રોકાણ ત્યાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે અને આ નવી નિમણૂકથી બંને દેશો વચ્ચે રોકાણના નવા દ્વાર ખુલશે. યુગાન્ડા સરકારમાં જાહેર કરાયેલી નવી યાદી મુજબ ૩૦ કેબિનેટ મંત્રીઓ અને ૫૧ રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિત કુલ ૮૧ સભ્યોનો સમાવેશ થાય છે. આ મોટા ફેરબદલમાં રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિ જેસિકા અલુપો અને વડાપ્રધાન રોબિના નાબ્બાન્જાને તેમના પદો પર યથાવત રાખ્યા છે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ મુસેવેનીના પત્ની અને દેશના ફર્સ્ટ લેડી જેનેટ કાતાહા મુસેવેની પણ શિક્ષણ અને રમતગમત મંત્રી તરીકે પોતાનું પદ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.