ડીઝલ મોંઘુ: 19 લાખ ટ્રકો બંધ, માલ ભાડું 15% વધ્યું : ખાવા-પીવાના ભાવ આસમાને
>> યુદ્ધને કારણે ભારતની સપ્લાય ચેઈન પર અસર દેખાવાનું શરૂ
>> હજુ 15 જુન સુધી આવું ચાલ્યું તો મોંઘવારીનો વિસ્ફોટ બોમ્બ ફૂટશે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
દેશમાં ડીઝલની અછત અને વધતી કિંમતોથી ટ્રાન્સપોર્ટ સેક્ટર પર બેવડો માર પડી રહ્યો છે. વધતા ખર્ચને કારણે ટ્રાન્સપોર્ટર્સે ટ્રકોને ઊભા કરવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિ એવી છે કે ભારતના કુલ ૯૫ લાખ ટ્રકોમાંથી લગભગ ૨૦% એટલે કે ૧૯ લાખ ટ્રક રસ્તાઓ પરથી હટી ગયા છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ઇરાન યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અસર હવે ભારતની સપ્લાય ચેઇન પર દેખાવા લાગી છે. ડીઝલની અછત અને ઊંચા ભાવોને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓએ માલભાડું વધારી દીધું છે. પશ્ચિમથી ઉત્તર ભારત જેવા મુખ્ય રૂટ્સ પર ભાડામાં ૧૦ થી ૧૫% નો વધારો થયો છે.
૩૦ કિમી સુધીની લોકલ ડિલિવરીના ભાવ તો વધુ વધ્યા છે. આની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે, કારણ કે આવનારા દિવસોમાં ફળ, શાકભાજી અને રાશનના ભાવ વધી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે સરકારી તેલ કંપનીઓએ છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૪ વખત વધાર્યા છે, જેના કારણે કુલ વધારો ૭.૫ થી ૮ પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. નેશનલ હાઈવેના પેટ્રોલ પંપો પર ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.ભારતના ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ૭૦% થી વધુ નાના ટ્રક ઓપરેટરો છે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ હરીશ સભરવાલે જણાવ્યું કે, ટ્રક ચલાવવાના કુલ ખર્ચમાં ૪૦-૪૫% હિસ્સો એકલા ડીઝલનો હોય છે. તેલની કિંમતોમાં વારંવાર થયેલા વધારાનો બોજ હવે નાના ઓપરેટરો ઉઠાવવાની સ્થિતિમાં નથી. ઘણા પંપોએ ઉધાર પર તેલ આપવાનું બંધ કરી દીધું છે, જેના કારણે વર્કિંગ કેપિટલનું સંકટ ઊભું થયું છે.