Loading Please Wait !!!
પત્રકાર કે ખંડણીબાજ બ્લેકમેલિંગ ગેંગનો પોલીસે કર્યો ખેલ ખતમ

=> મીડિયાના નામે ગંદો ખેલ : લાખોની ખંડણી માંગતા 3 પકડાયા

=> ડોક્ટર પાસે તોડકાંડ કેસમાં ભારત હેડલાઈનના તંત્રી અમિત ઠક્કરના જામીન ના મંજુર કરવા કોર્ટમાં અરજી

=> `પ્રેસ'ના નામે મફતિયાઓનો મોટો ખેલ એક્સપોઝ

=> યુનીવર્સીટી રોડ પર કોમર્શીયલ બાંધકામ અંગે 50 હજાર અને 3.50 લાખની ખંડણી મંગાઈ હતી

=> પત્રકારના વેશમાં ગૂનો : પોલીસે તોડ્યું ફેક મીડિયા ગેંગનું નેટવર્ક

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના નિર્મળા રોડ પર રહેતા અને ભાજપના પૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકેલા વિજયભાઈ માધવજીભાઈ પાડલીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ભારત હેડલાઇન' અને 'રાજકોટ લાઈવ ન્યુઝ'ના સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ખંડણીના ગુનામાં ક્રાઈમ બ્રાંચની ટીમે ભારત હેડલાઈનના તંત્રી અમિત ઠક્કર, 'રાજકોટ લાઈવ ન્યૂઝ'ના ભાર્ગવ હરિશ્ચંદ્ર આચાર્ય, યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અગાઉ નિર્મળા રોડ પર ડોક્ટર પાસે તોડકાંડ કેસમાં કોર્ટમાંથી શરતી જામીન મેળવનાર અમિત ઠક્કર સહિતના આરોપીઓના જામીન ના મંજુર કરવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરાઈ છે. 

ફરિયાદની વિગતો મુજબ, વિજયભાઈએ યુનિવર્સિટી રોડ પર જલારામ-૨ વિસ્તારમાં પોતાની દીકરી માટે 'ACP' નામની હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. આ બાંધકામ અંગે 'ભારત હેડલાઇન'ના અમિત ઠક્કરે ઓક્ટોબર ૨૦૨૫થી સોશિયલ મીડિયામાં નકારાત્મક લેખો છાપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 'રાજકોટ લાઈવ ન્યુઝ'ના ભાર્ગવ આચાર્યએ પણ આ વિવાદમાં ઝંપલાવી ફરિયાદીને "કેબલ ચોર" જેવા અપશબ્દો સાથે સંબોધિત કરી શ્રેણીબદ્ધ ખોટા અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. ફરિયાદીએ જણાવ્યું કે આ સમાચારોને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમને પરિચિતો સામે વારંવાર ખુલાસા કરવાની ફરજ પડી હતી.આરોપીઓએ માત્ર સમાચારો છાપીને સંતોષ ન માનતા, ઉઘાડી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખ છે કે, યોગીરાજસિંહ રાઠોડ નામના શખ્સે ફોન કરી અમિત ઠક્કર વતી ૩,૦૦,૦૦૦ રૂપિયામાં "સેટિંગ" કરી આપવાની ઓફર કરી હતી.

બીજી તરફ, ભાર્ગવ આચાર્યએ પોતાના માણસો મોકલી ૫૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં પોતે રૂબરૂ આવી એક લાખ રૂપિયાની માંગ કરી હતી. આરોપીઓએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેમને રાજકોટ છોડવું પડશે અથવા આત્મહત્યા કરવી પડશે. આ સતત માનસિક ત્રાસ અને બળજબરીથી નાણાં કઢાવવાના પ્રયાસોથી કંટાળીને આખરે વિજયભાઈએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. વિજયભાઈ પાડલીયાએ માર્ચ ૨૦૨૬માં પોલીસમાં અરજી કર્યા બાદ, ૧૪ મે ૨૦૨૬ના રોજ વિધિવત રીતે બી.એન.એસ.ની કલમ ૩૦૮(૪), ૩૫૬ અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જગદીપસિંહ ગોહિલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. 

અખબારોનું લાયસન્સ રદ કરવા તજવીજ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 308(4), 356 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસ આ મામલે વધુ ગંભીર બની છે અને 'પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા' ને પત્ર લખીને આ અખબારોના રજિસ્ટ્રેશન અને લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. શહેર પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પત્રકારિતાની આડમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. જો કોઈ પણ નાગરિકને આવા પત્રકારો હેરાન કરતા હોય તો નિસંકોચ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.