Loading Please Wait !!!
સંતકબીર રોડ પર 'સેટિંગ' થી ઉભું થયું 3 માળનું ગેરકાયદે બાંધકામ !

=> જલગંગા ચોક પાસે લે આઉટ પ્લાન વગર માર્જિનની જગ્યા વગર બાંધકામ 'કારીગર' કોણ ?

=> 15 લાખના વહિવટથી ચૂંટણી પહેલા મંજૂરી કોણે આપી ?

=> તંત્રની આંખે પટ્ટી કે સેટિંગ રાજમાં બાંધકામ રાજ !

=> પ્રાઈમ લોકેશનમાં ખૂલ્લેઆમ કાયદાનો ભંગ

સિટી ન્યૂઝ@રાજકોટ : એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના સીધા માર્ગદર્શન હેઠળ ટીપી શાખાની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે કાચા-પાકા મકાનોનું કડક ડિમોલિશન કરીને શૂરવીરતા બતાવી રહી છે. સામાન્ય અને ગરીબ માણસોના દબાણો પર તાત્કાલિક બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. પરંતુ બીજી બાજુ સંતકબીર રોડ જેવા શહેરના અત્યંત વ્યસ્ત અને પ્રાઈમ લોકેશનમાં સૂચિત જમીન પર ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર બાંધકામોમાં 15 લાખ જેટલા જંગી આર્થિક વ્યવહારો કરીને છૂટછાટ આપવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

આ બેવડી નીતિના કારણે મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. તંત્રની આંખે ખરેખર પટ્ટી બાંધેલી છે કે પછી ભ્રષ્ટાચારના જોરે સેટિંગ રાજ ચાલી રહ્યું છે તે શહેરીજનો માટે એક મોટો સવાલ બની ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઇસ્ટ ઝોનમાં આવતા વોર્ડ નંબર 6 માં સંતકબીર રોડ પર જલગંગા ચોક પાસે સૂચિત જગ્યામાં કેટલાક માથાભારે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા તાજેતરની લોકસભા ચૂંટણીના સમયગાળાનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવીને રાતોરાત 3 માળનું ગંજાવર અને ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. ચૂંટણી સમયે મોટાભાગના અધિકારીઓ ચૂંટણી ફરજમાં વ્યસ્ત હોય છે, જેનો સીધો ફાયદો આ માફિયાઓએ લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા બાંધકામ અંગે રાજકોટ મનપાના ઇસ્ટ ઝોન વિભાગમાં કોઈ જ લે આઉટ પ્લાન પાસ કરવામાં આવ્યો નથી કે બાંધકામ અંગેની કોઈ સત્તાવાર મંજૂરી લેવાની તસ્દી લેવાઈ નથી. પાર્કિંગ કે માર્જિનની એક ઇંચ પણ જગ્યા છોડ્યા વિના દિવસ-રાત ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરીને આ બાંધકામ ધમધમી રહ્યું છે. ભવિષ્યમાં અહીં વાહનોના પાર્કિંગના કારણે સંતકબીર રોડ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાશે તે નિશ્ચિત છે.

મનપા કમિશનર તપાસ કરાવી ડિમોલિશન કરાવે તેવી માંગ

શહેરમાં હાલ એવી કાન ફાડી નાખે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે તાજેતરમાં 3 સ્થાનિક વચેટિયાઓની મદદથી આસામી દ્વારા ઇસ્ટ ઝોનના વહીવટી અધિકારીઓ સાથે અંદાજિત 15 લાખ રૂપિયા જેવી માતબર રકમનો છૂપો વહીવટ કરીને આ ગેરકાયદે બાંધકામનું સેટિંગ કરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચારની આ ગંધ છેક ઉપર સુધી પહોંચી છે. જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે કે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અંગે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરાવી તાત્કાલિક તેનું ડિમોલિશન કરાવવું જોઈએ. આ ઉપરાંત, માત્ર બાંધકામ તોડી પાડવાથી કંઈ નહીં થાય, પરંતુ આવા આર્થિક વહીવટો કરનાર ટીપીઓથી લઈને એટીપી સુધીના તમામ ભ્રષ્ટ અધિકારીઓની પણ કડક તપાસ થવી જોઈએ અને તેમની સામે દાખલારૂપ શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ.