સાંસદની ઓફિસ પાસે `મોતનો ખાડો' બુરાયો!
=> સિટી ન્યૂઝે લખ્યું, તંત્ર દોડ્યું
=> અહેવાલ પછી જ હરકતમાં તંત્ર; એ પહેલા ક્યાં હતું?
=> જાગનાથ વિસ્તારમાં ખૂલ્લી ટાંકી કોઈનો ભોગ લે એ પહેલા સૂતેલા તંત્રને સિટી ન્યૂઝે જાગતું કર્યુ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં સિટી ન્યૂઝ દ્વારા પ્રસારિત થયેલા મોતના ખાડાના અહેવાલનો અંતે અસરકારક પડઘો પડ્યો છે. સાંસદ રામભાઈ મોકરીયાની ઓફિસ નજીક રસ્તા વચ્ચે આવેલું જોખમી તૂટેલું ગટરનું ઢાંકણું જે લાંબા સમયથી અકસ્માતની રાહ જોઈ રહ્યું હતું, તે હવે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નવું ઢાંકણુ નાખવામાં આવ્યું છે.આ મુદ્દો સામે આવ્યા બાદ શહેરમાં ભારે ચર્ચા જાગી હતી અને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. શહેરનાં પોશ એરિયા હોવા છતાં આવી બેદરકારી સામે પ્રશ્નો ઊઠ્યા હતા. ગઈકાલે પ્રસિઘ્ધ થયેલા સિટી ન્યુઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને જોખમી ખાડાને સમારકામ કરીને રોડને ફરી સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે મીડિયા દબાણ વગર આ સમસ્યા હલ થવાની શક્યતા ઓછી હતી. હવે તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરતા લોકોને થોડી રાહત મળી છે, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી સમસ્યાઓ દૂર કરવા માંગ ઉઠી રહી છે. હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર માત્ર મીડિયાના દબાણ પછી જ તંત્ર જાગશે કે નિયમિત મોનીટરીંગથી આવી ઘટનાઓ અટકાવશે?