NEET પેપર લીકમાં ગુજરાત સુધી તપાસના એંધાણ ?
=> ગુજરાતમાંથી 79 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
સિટી ન્યૂઝ@ગાંધીનગર : મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં હવે 'ગુજરાત કનેક્શન'ની પણ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેપર લીક માફિયાઓએ આ આખું ષડયંત્ર એટલી સિફતપૂર્વક રચ્યું હતું કે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ ન આવે કે તેઓ અસલી પ્રશ્નપત્ર ખરીદી રહ્યા છે.લીક થયેલા પ્રશ્નોને 400 પ્રશ્નો ધરાવતા એક ગેસ પેપરમાં છુપાવવામાં આવ્યા હતા.આ પેપર દેશભરના વિદ્યાર્થીઓને 10 લાખથી 25 લાખ રૂપિયાની અધધ રકમમાં વેચવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેસ પેપરમાં NEET પરીક્ષાના બાયોલોજીના તમામ 90 અને કેમિસ્ટ્રીના 45 પ્રશ્નો બેઠેબેઠા સામેલ હતા.
વિદ્યાર્થીઓને એવી લાલચ આપવામાં આવી હતી કે જો તૈયારી ઓછી હોય તો પણ આ પ્રશ્નો ગોખી લેવાથી પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે. કેસની ગંભીરતા જોતા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આદેશથી હવે CBI એ મેદાનમાં ઉતરી છે. સીબીઆઈએ ગુનાઈત ષડયંત્ર, છેતરપિંડી અને પુરાવા નષ્ટ કરવા જેવી કલમો ઉપરાંત નવા અમલી બનેલા પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 હેઠળ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીઓએ સિકરના પેપર સોલ્વર રાકેશ માંડવરિયાની પૂછપરછ કરી છે, જેણે પોતાના ક્લાયન્ટ્સને આપેલા પેપરમાંથી 120 પ્રશ્નો પૂછાયા હોવાનો દાવો કર્યો હતો.
આ કેસમાં મહારાષ્ટ્રના નાશિકમાંથી 27 વર્ષીય શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે, જે ભરૂચ કે ગુજરાતના અન્ય ભાગોમાં સંપર્ક ધરાવતો હોવાની આશંકા છે. તે મધ્યપ્રદેશમાં BAMS નો વિદ્યાર્થી છે અને કાઉન્સેલર તરીકે કામ કરતો હતો. જયપુર, સિકર અને ગુડગાંવથી શરૂ થયેલું આ નેટવર્ક હવે ગુજરાત સુધી પહોંચ્યું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે.
NEET કેસમાં અત્યાર સુધીમાં 7ની ધરપકડ
મહારાષ્ટ્ર-રાજસ્થાનમાંથી ત્રણ-ત્રણ આરોપી રાજસ્થાનમાં 1000 ઉમેદવારો સુધી પેપર પહોંચ્યું
NEET પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોમાંથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર-રાજસ્થાનમાંથી 3-3 અને હરિયાણાનો 1 યુવક સામેલ છે. બુધવારે મહારાષ્ટ્રના પુણેમાંથી એક મહિલા અને અહિલ્યાનગરના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે મહિલાનું નામ મનીષા વાઘમારે છે, જે બ્યુટિશિયન છે. અહિલ્યાનગરમાંથી ધનંજય નિવૃત્તિ લોખંડે (26) ને પકડવામાં આવ્યો છે. 12 મેના રોજ નાસિકમાંથી શુભમ ખૈરનાર (30) ને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. CBI ત્રણેયની પૂછપરછ કરી રહી છે.રાજસ્થાનમાંથી 3 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમાં સીકરનો કન્સલ્ટન્સી સંચાલક રાકેશ મંડાવરિયા અને લીક થયેલા પેપર ખરીદીને વેચનારા બે ભાઈઓ દિનેશ બિવાલ અને માંગીલાલ બિવાલનો સમાવેશ થાય છે.રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અનુસાર, રાજસ્થાનમાં લગભગ એક હજાર ઉમેદવારો સુધી આ પેપર પહોંચ્યું હતું. SOG એ હરિયાણાના ગુરુગ્રામમાંથી BAMS પ્રથમ વર્ષના વિદ્યાર્થી યશ યાદવને કસ્ટડીમાં લીધો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.