રાજકોટના મેયર બ્રાહ્મણ અથવા ક્ષત્રિય, ડેપ્યૂટી મેયર લોહાણા મહિલા ?
=> મેયર રેસમાં સસ્પેન્સ ચરમસીમાએ : બંધ કવરમાં નામ, હાઈકમાન્ડ પર અંતિમ નિર્ણય
=> ડેપ્યૂટી મેયરની રેસમાં દક્ષાબેન વસાણી હોટ ફેવરિટ
=> બ્રાહ્મણ સમાજમાંથી નેહલ શુકલ, મનિષ ભટ્ટ, પરેશ ઠાકર રેસમાં આગળ
=> દંડક અને શાસક પક્ષ નેતાઓમાં OBC ચહેરાને સ્થાન આપવાની શક્યતા
=> ક્ષત્રિય સમાજમાંથી નરેન્દ્રસિંહ જાડેજા(ટીકુભા) સંજયસિંહ રાણા આગળ
=> સોમવાર અથવા મંગળવારે જનરલ બોર્ડમાં મેયરના નામની સત્તાવાર જાહેરાત થશે
=> સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે અશ્વિન ભોરણીયા ? કાં કોઈ પણ પાટીદાર ચહેરો
=> પાટીદાર સમાજમાંથી દિલીપ લુણાગરિયા, પરેશ પીપળીયા, કેતન પટેલ, અશ્વિન ભોરણીયા (કડવા પટેલ)ના નામો ચર્ચામાં સૌથી આગળ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર કોણ બનશે તે મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ નેતાઓ, સ્થાનિક ટીમ તેમજ ધારાસભ્યો વચ્ચે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સંભવિત ઉમેદવારોના નામો બંધ કવરમાં સોંપવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મેયર પદ માટે આ વખતે બ્રાહ્મણ અથવા ગરાસિયા સમાજમાંથી ઉમેદવાર પસંદ થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રાહ્મણ સમાજમાંથી સ્નેહલ શુક્લ, મનીષ ભટ્ટ અને પરેશ ઠાકરના નામો ચર્ચામાં છે, જ્યારે ગરાસિયા સમાજમાંથી નરેન્દ્રસિંહ જાડેજા અને સંજયસિંહ રાણા મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યા છે.
ડેપ્યુટી મેયર પદ માટે લોહાણા સમાજમાંથી દક્ષાબેન વસાણીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પાટીદાર સમાજમાંથી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
ભાજપ હાઈકમાન્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે અને તેમાં અંતિમ ક્ષણોમાં ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. હાલ તમામ દાવેદારો દ્વારા પોતાની દાવેદારી મજબૂત બનાવવા માટે જોરશોરથી લોબિંગ કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, અંતિમ નામોનું જાહેરનામું મહાનગરપાલિકાની પ્રથમ જનરલ બોર્ડ બેઠકમાં કરવામાં આવશે. ત્યાં સુધી મેયર પદને લઈને સસ્પેન્સ યથાવત રહેશે. ભાજપની ટીમ હજુ આવતીકાલ સુધી ગાંધીનગરમાં જ રોકાશે, ત્યારબાદ આખરી નિર્ણય જાહેર થવાની શક્યતા છે. રાજકોટની રાજકીય હલચલ વચ્ચે હવે સૌની નજર એ પર છે કે કોણ મેયર પદની બાજી મારીને શહેરના પ્રથમ નાગરિક તરીકે શપથ લેશે.