રોહિણી નક્ષત્રમાં વરસાદ તાંડવ મચાવશે
સિટી ન્યૂઝ@અમદાવાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર ૪૪.૭°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં ૪૪.૪°C, રાજકોટમાં ૪૩.૬°C, ગાંધીનગરમાં ૪૩.૫°C અને ડીસામાં ૪૨.૨°C મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ ૨૮.૮°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૦.૬°C વધુ છે. જ્યારે વડોદરામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન ૩૦.૦°C જેટલું ઊંચું નોંધાતાં અસહ્ય બફારાની સ્થિતિ યથાવત્ છે. ગુરૂવારે દિવસભર કાળઝાળ ગરમી રહ્યા બાદ સાંજના સમયે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું બન્યું હતું, અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને વરસાદી માહોલ બન્યો હતો.
ચોમાસાની પ્રગતિ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, હાલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું થોડું વિલંબમાં પડ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાના સાનુકૂળ પવનોને સેટ થવા દેતું નથી.
=> હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું કે, ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. આગામી ૩૦ અને ૩૧ મેથી લઈને ૪ જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે વીજળી પડવાની ઘટનાઓથી જન-ધન સ્ટે સુરક્ષિત રાખવા માટે ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે.
=> 7-8 જૂને અતિવૃષ્ટિની ચેતવણી કયા જિલ્લામાં કેટલો વરસાદ?
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું કે, આગામી ૭ અને ૮ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સમયગાળામાં જે વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાશે, ત્યાં સ્થાનિક સ્તરે અતિવૃષ્ટિ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને પંચમહાલના વિસ્તારોમાં ઉનાળાના અંતમાં મેઘરાજા જોર બતાવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ૪ જૂન સુધીમાં ૫૦ mm અને પંચમહાલ જિલ્લામાં ૨ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. જ્યારે વડોદરા, મહીસાગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૧ ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડી શકે છે.