Loading Please Wait !!!
લોકમેળામાં રેસકોર્ષ રીંગ રોડ ફરતે વાહનો માટે પ્રવેશબંધી

પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું
  • સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તા. ૨થી તા. ૬ સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતો ન સર્જાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટ્રાફિક અને પાર્કિંગ અંગેનું ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રેસકોર્ષ રીંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક અને આમપાલી અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધી તથા બંને બાજુ 'નો-પાર્કિંગ' જાહેર કરાયું છે. આ ઉપરાંત તમામ પ્રકારના ભારે વાહનો, ખાનગી લક્ઝરી બસો, રિક્ષાઓ તથા પેસેન્જર ભરેલા વાહનો માટે પણ રેસકોર્ષ રીંગરોડ પર પ્રવેશબંધી રહેશે. રેસકોર્ષ રીંગરોડ પર પાસ ધારક વાહનો ધીમે ચલાવવા હુકમ કરાયો છે. ચાણક્ય બિલ્ડીંગ ચોકથી ઢ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ થઈ એરપોર્ટ ફાટક તથા ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. આસપાલી અંડર બ્રિજથી રેસકોર્ષ મેયર બંગલાથી રેલવે પાટાની જમણી બાજુના રોડ થઈ એરપોર્ટ ફાટક તરફ અવરજ્વર કરી શકાશે. નાગરિકો માટે વિવિધ ૧૪ સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે,
 
જેમાં કિસાનપરા ચોક, નહેરૂ ઉદ્યાન (બહુમાળી ભવન સામે), બાલભવન મેઈન ગેટ, ચોપડી સાયકલ ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ, નગર રચના અધિકારીની કચેરી, આયકર વાટીકા પાછળનું ગ્રાઉન્ડ અને ધર્મેન્દ્રસિંહુ કોલેજ ગ્રાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. દરમ્યાન ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.