૭ વર્ષથી સજા કાપતા કેદીઓને ગુનાખોરીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી
રાજકોટ જેલમાં બંધ ભાઈઓને બહેનોએ બાંધ્યો પ્રેમનો ધાગો
- સિટી ન્યૂઝ@રાજકોટ
દેશભરમાં આજે રક્ષાબંધનના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બંદીવાનો અને તેની બહેનોની લાગણીસભર મુલાકાતનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલમાં બંધ ભાઈઓને તેમની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની અનોખી ઝલક જોવા મળી હતી અને સમગ્ર જેલ પરિસર અત્યંત લાગણીસભર વાતાવરણથી ભરાઈ ગયું હતું. બીજીતરફ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો કટાક્ષભર્યો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસી આગેવાનોએ રક્ષાબંધને બહેનને ૧ કિલો ખાંડ-ડુંગળી ભેટ આપી ઉજવણી કરી હતી.રક્ષાબંધનના તહેવારને લઈને જેલ તંત્ર દ્વારા મુલાકાતે આવતી બહેનોને કોઈ અગવડ ન પડે તે માટે બેસવાની તથા પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ સુચારુ રીતે ઊભી કરવામાં આવી હતી. અંદાજે ૨૪૦૦ જેટલા કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલી બહેનો જેલ પરિસરમાં આવી હતી. આ તમામ મુલાકાતો વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જેલ પ્રશાસન દ્વારા કડક અને વ્યવસ્થિત
આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજકોટ મધ્યસ્થ જેલના એસપી વી. ટી. ગોહિલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, જીવનમાં ક્ષણિક આવેશ કે ઉતાવળમાં લેવાયેલું એકપણ ખોટું પગલું તે વ્યક્તિના સમગ્ર જીવનને બાર્બાડ કરી શકે છે. ઉતાવળમાં ભરેલું પગલું ભાઈ માટે આજીવન પસ્તાવો અને બહેન માટે કાયમી દાગ બની જતું હોય છે. તેથી યુવાનોએ ગુસ્સા કે આવેશમાં આવી કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. આજે જેલ પ્રશાસન દ્વારા ભાઈ-બહેનના પવિત્ર તહેવારને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને કેદીઓ પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે.છેલ્લા ૯ વર્ષથી સજા કાપી રહેલા કેદી દસાસાભાઈ ગઢવીએ પણ રક્ષાબંધન ઉપર જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ ઉત્કૃષ્ટ વ્યવસ્થાની સરાહના કરી હતી. તેમણે ભાવુક બનીને જણાવ્યું હતું કે, આવેશમાં થયેલી ભૂલના કારણે આજે પરિવારથી દૂર રહેવું પડે છે અને જેલમાં કરુણાની નહીં વહી હોય તેવો અફસોસ થાય છે. તેમણે યુવા પેઢીને ખાસ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, યુવાનોએ ગુનાખોરીના માર્ગે ન જવું જોઈએ. કોઈપણ સંજોગોમાં ગુનો ન કરવો, પ્રભુનું સ્મરણ કરવું, સારી પ્રવૃત્તિઓ કે વાચનમાં દિલ લગાવવું અને સેવાના માર્ગે ચાલવું જોઈએ.