રાજકોટમાંથી ડુપ્લિકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
SOGનો સપાટો : કુવાડવા રોડ પર બની રહ્યું હતું નકલી તમાકુ
હિરેન પરફ્યુમરી વર્કર્સ' ગોડાઉનમાંથી બે સગા ભાઈઓની ધરપકડ, 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તેમજ એસીપી ભરત બી. બસીયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અપાયેલી સૂચના અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ મોટી સફળતા મેળવી છે. કુવાડવા રોડ પર આવેલા લાતી પ્લોટ વિસ્તારમાંથી ફૂડ લાયસન્સ વગર ગેરકાયદે રીતે કેમિકલયુક્ત ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન અને વેચાણ કરતા બે સગા ભાઈઓને મુદ્દામાલ
સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
SOG પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઆઈ રાજેશભાઈ બાલા, સિદ્ધરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાને મળેલી સંયુક્ત બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં. ૧૧, ચૌહાણા વાડી સ્થિત હિરેન પરફ્યુમરી વર્કર્સ નામના ગોડાઉનમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી (૧) હિરેનભાઈ કાંતીલાલ સોનેજી (ઉં.વ. ૫૧, રહે. આશાપુરા રોડ) તથા (૨) રાજુભાઈ કાંતીલાલ સોનેજી (ઉં.વ.
૪૯, રહે. ક્રાંતિવિકાસ ગૃહ મેઈન રોડ) હાજર મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બંને આરોપીઓ કોઈપણ જાતના લાયસન્સ કે આધાર-પુરાવા વગર ગોડાઉનમાં કેમિકલ, લાઈટ લિક્વિડ પેરાફીન ઓઈલ, સિલ્વર વરખ અને સુગંધિત પ્રવાહી (ફ્લેવર) મિક્સ કરી ઇલેક્ટ્રિક મશીન વડે ડુપ્લિકેટ તમાકુ બનાવી બજારમાં અલગ-અલગ વેપારીઓને છૂટક વેચતા હતા.
પોલીસે સ્થળ પરથી ૫૦૦ ગ્રામ અને ૨૦૦ ગ્રામના તમાકુના પૅકેટો, બેરલમાં ભરેલી લૂઝ તમાકુ, ૧૫૦ લિટર પેરાફીન ઓઈલ, કેમિકલ મિક્સિંગ મશીન, પૅકિંગ મશીન, વજનકાંટો, હિંગસન હીરામોતી તથા સુગમ ટબેકો લખેલા પતરાના ખાલી ડબ્બા, ફ્લેવરની બોટલો, બિલ બુક અને ૨ મોબાઈલ ફોન મળી કુલ ૧,૭૨,૭૭૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન FSL અધિકારી સમીર જોષી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર કે.જે. સરવૈયાએ સ્થળ પર પહોંચી પ્રાથમિક પરીક્ષણ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.