દેવલપરને 3 મહિનામાં બાકી કામ પૂર્ણ કરી કબજો સોંપવા આદેશ, 9% વ્યાજ ચૂકવવું પડશે
રાજકોટના TITAN 54 પ્રોજેક્ટના ફ્લેટ ખરીદદારની RERA ફરિયાદ મંજૂર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના અમીન માર્ગ પર આવેલા TITAN ૫૪ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનાર દ્વારા ડેવલપર સામે કરવામાં આવેલી ફરિયાદ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA), ગુஜરાતે મંજૂર કરી છે. સત્તાધિકારીએ ડેવલપરને ફ્લેટનું બાકી કામ ૩ મહિનામાં પૂર્ણ કરી જરૂરી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી ફરિયાદીને કબજો સોંપવાનો આદેશ કર્યો છે. સાથે જ કબજો સોંપવામાં થયેલા વિલંબ બદલ તા. ૦૧/૦૧/૨૦૨૪થી કબજો સોંપાય ત્યાં સુધી ૬% વાર્ષિક વ્યાજ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
ફરિયાદી દીપેન લવજીભાઈ હેમાડિયાએ TITAN ૫૪ પ્રોજેક્ટના ફ્લેટ નં. C-૧૦૨ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફ્લેટની ખરીદી માટે જરૂરી રકમ ચૂકવ્યા બાદ પણ ડેવલપર દ્વારા ફ્લેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું તેમજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરીને કબજો સોંપવામાં આવ્યો ન હતો. ફરિયાદીએ ચૂકવેલી રકમ પર વ્યાજ તથા બાકી કામ પૂર્ણ કરી કબજો સોંપવાની માંગ કરી હતી.
ફરિયાદની સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી વકીલ આનંદ એમ. રાણપરાએ રજૂઆતો કરી હતી. રેકોર્ડ પર રજૂ કરાયેલા દસ્તાવેજોનું અવલોકન કર્યા બાદ RERA, ગુજરાતે ફરિયાદ મંજૂર કરી હતી. સત્તાધિકારીએ ડેવલપરને ફરિયાદીના ફ્લેટનું બાકી રહેલું કામ ૩ મહિનાની અંદર પૂર્ણ કરી જરૂરી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવા તથા ફ્લેટનો ફાયદેસર કબજો સોંપવાનો આદેશ કર્યો છે.
RERAના આદેશ મુજબ ડેવલપરને ફરિયાદી દ્વારા ચૂકવવામાં આવેલી રકમ ઉપર ૬% વાર્ષિક દરે વ્યાજ ચૂકવવાનું રહેશે. આ વ્યાજ કબજો સોંપવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે ચૂકવવાનું રહેશે. ફરિયાદી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ખરીદદાર તરીકે પોતાની નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ પણ ફ્લેટનો સંપૂર્ણ અને ફાયદેસર કબજો મળ્યો ન હતો. RERAના નિર્ણયથી ડેવલપરે નિર્ધારિત સમયમર્યાદામાં બાકી કામગીરી પૂર્ણ કરી કબજો સોંપવાની તેમજ વિલંબના સમયગાળા માટે વ્યાજ ચૂકવવાની જવાબદારી નક્કી થઈ છે. આ નિર્ણય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ઘર ખરીદનાર ગ્રાહકોના હિતોના રક્ષણ અને ડેવલપરની જવાબદારી સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.