કૃતિ સેનનની રક્ષાબંધન એડ પર વિવાદથી કંપનીએ જાહેરાત હટાવી
રાજકારણથી સોશિયલ મીડિયા સુધી મામલો ગરમાતા
રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની એક જાહેરાતે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઉભો કર્યો છે. જાણીતી જ્વેલરી બ્રાન્ડ માટે બનાવવામાં આવેલી આ ફેસ્ટિવ એડમાં કૃતિ સેનનના પોશાક અને જાહેરાતના કન્સેપ્ટ સામે કેટલાક યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. ભારે ટ્રોલિંગ અને વિવિધ વર્ગોના વિરોધ બાદ કંપનીએ આખરે તમામ ડિજિટલ અને મીડિયા પ્લેટફોર્મ પરથી જાહેરાત પાછી ખેંચી લીધી છે. વિવાદ વધ્યા બાદ જ્વેલરી બ્રાન્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને જાહેરાત તમામ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક અસરથી પાછી ખેંચવાની જાહેરાત કરી. કંપનીએ સ્પષ્ટતા કરી કે તે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને પવિત્ર તહેવારોનું સંપૂર્ણ સન્માન કરે છે. કંપનીના જણાવ્યા મુજબ, કેમ્પેઈનનો હેતુ પરિવારના સભ્ય સમાન પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો હતો. જોકે, આ પ્રયાસથી સમાજના કોઈ વર્ગની લાગણી દુભાઈ હોય તો તે કંપનીનો ઈરાદો નહોતો. લોકોની ભાવનાઓનું સન્માન કરીને જાહેરાત પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હોવાનું કંપનીએ જણાવ્યું.