ભારતમાં માંસાહારનો ક્રેઝ વધ્યો; 78% પુરૂષો, 62% મહિલાઓ નોનવેજ ખાય છે !
- શાકાહારની છાપ વચ્ચે બદલાઈ રહી છે થાળી; રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય (NFHSS) ના સર્વેના આંકડા
- અઠવાડિયામાં એકવાર નોનવેજ ખાનારા પણ વધ્યા
- 15થી 49 વર્ષની વયજૂથનાં માછલી, ચિકન અને મટનનું કોઈને કોઈ પ્રમાણમાં સેવન કરે છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (NFHS) ના તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશની આહારશૈલીમાં મોટો બદલાવ આવી રહ્યો છે. ખાસ કરીને ૧૫ થી ૪૯ વર્ષની વયજૂથના લોકોના ડેટા પર નજર કરીએ તો, ભારતમાં માંસાહારનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. NFHS-૫ (૨૦૧૯-૨૧) ના રિપોર્ટ મુજબ, દેશના ૮૩.૪ ટકા પુરુષો અને ૭૦.૬ ટકા સ્ત્રીઓ માંસાહારી છે. આ આંકડામાં એવા તમામ લોકોનો સમાવેશ થાય છે જેઓ દરરોજ, સાપ્તાહિક કે માત્ર ક્યારેક જ માછલી, ચિકન અથવા માંસનું સેવન કરે છે.
જો આ આંકડાઓની સરખામણી અગાઉના સર્વે એટલે કે NFHS-૪ (૨૦૧૫-૧૬) સાથે કરવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. અગાઉના સર્વેમાં ૭૮.૪ ટકા પુરુષો અને ૭૦ ટકા સ્ત્રીઓએ માંસાહારી હોવાનું સ્વીકાર્યું હતું. આનો સીધો અર્થ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં માંસાહારી સ્ત્રીઓની સંખ્યામાં ભલે સામાન્ય વધારો નોંધાયો હોય, પરંતુ પુરુષોના કિસ્સામાં આ વધારો આશરે ૫ ટકા જેટલો માતબર રહ્યો છે. માત્ર ક્યારેક જ નહીં, પરંતુ નિયમિત રીતે માંસાહાર કરનારા લોકોની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. NFHS-૫ ના આંકડા મુજબ, અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર માંસ ખાતા પુરુષોની સંખ્યા વધીને ૫૭.૩ ટકા અને સ્ત્રીઓની સંખ્યા ૪૫.૧ ટકા પર પહોંચી ગઈ છે. આની સામે અગાઉના NFHS-૪ સર્વેમાં આ આંકડો પુરુષો માટે ૪૮.૯ ટકા અને સ્ત્રીઓ માટે ૪૨.૮ ટકા હતો. આ આંકડાઓ સ્પષ્ટપણે એ હકીકત તરફ ઇશારો કરે છે કે ભારતીયોની થાળીમાં માંસાહારી વાનગીઓનું સ્થાન મજબૂત બની રહ્યું છે. ખાસ કરીને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર માંસ ખાનારા પુરુષોના હિસ્સામાં થયેલો આ નોંધપાત્ર વધારો એ સાબિત કરે છે કે લોકોના રોજિંદા ભોજનમાં પ્રોટીનના સ્ત્રોત તરીકે માંસાહારનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
ઈંડાના ભાવમાં 25%નો વધારો
દેશમાં Ethanolના વધતા ઉત્પાદનની અસર હવે પોલ્ટ્રી ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં ઈંડાના ભાવમાં આશરે ૩૫થી ૪૦ ટકાનો વધારો થયો છે. હાલ પોલ્ટ્રી ફાર્મમાંથી એક ઈંડું લગભગ ૭માં વેચાઈ રહ્યું છે, જ્યારે રિટેલ માર્કેટમાં તેની કિંમત ૮.૫૦થી ૯ સુધી પહોંચી ગઈ છે.પોલ્ટ્રી ઉદ્યોગના જાણકારોના જણાવ્યા અનુસાર ઈંડાના ભાવ વધવાનું એક મુખ્ય કારણ મકાઈ (Maize)ના વધેલા ભાવ છે. મકાઈનો ઉપયોગ મરઘીઓના દાણા એટલે કે પોલ્ટ્રી ફીડ (Poultry Feed)માં મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ હવે મકાઈનો એક મોટો હિસ્સો Ethanol બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. તેના કારણે પોલ્ટ્રી ફીડની કિંમત વધી છે અને તેની સીધી અસર ઈંડાના ઉત્પાદન ખર્ચ પર પડી રહી છે.પોલ્ટ્રી ખેડૂતો માટે મકાઈ સૌથી મોટો ખર્ચ છે અને કુલ ઉત્પાદન ખર્ચમાં તેનો હિસ્સો આશરે ૬૫થી ૭૦ ટકા સુધી હોય છે. તેથી મકાઈ મોંઘી થતાં ઈંડા અને ચિકન બંનેના ઉત્પાદન ખર્ચ પર સીધી અસર પડે છે. સરકારી આંકડા અનુસાર ભારતમાં મકાઈનું કુલ ઉત્પાદન આશરે ૪૩.૪ મિલિયન ટન છે, જેમાંથી લગભગ ૧૭ મિલિયન ટન મકાઈ હવે Ethanol ઉત્પાદનમાં વપરાય છે.