રાજકોટ મહાપાલિકા કોર્ટના સુચનનું પણ પાલન કરતી નથી !
- ‘સ્ટેટસ કો’નો આદેશ છતાં કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ?
- હાઈકોર્ટમાં કેસ અને લવાદ કોર્ટને ‘સ્ટેટસ કો’ હોવા છતાં RMCની મિલીભગતથી ગેરકાયદે બાંધકામ ઉભું થઈ ગયું
- આ પુરાવા છતાં કામ સ્પીડમાં ચાલુ
- નાનામવા મેઈન રોડ પર નહેરુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહીશોનો તંત્ર સામે મોરચો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના નાના મવા મેઈન રોડ પર આવેલી નેહરુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામનો એક મોટો વિવાદ સામે આવ્યો છે. સોસાયટીના પ્લોટ નંબર ૧ માં વી.એસ. એન્ટરપ્રાઈઝના ભાગીદાર શ્રી મહેશ ગજેરા દ્વારા રહેણાંકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડીંગ ખડકી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હાઈકોર્ટમાં RMC સામે આ મામલે કેસ ચાલુ હોવા છતાં અને બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટિફિકેટ ન મળ્યું હોવા છતાં દુકાનો અને ઓફિસોમાં ફર્નિચરનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ગેરકાયદે બાંધકામ સામે સોસાયટીએ પ્લોટ માલિક વિરુદ્ધ લવાદમાં કેસ (નંબર ૨૯૧/૨૦૨૪) કરેલ છે, જેમાં લવાદે શરૂઆતથી જ ‘સ્ટેટસ કો’ (Status Quo) નો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) સામે પણ હાઈકોર્ટમાં કેસ (નંબર ૨૪૫૬/૨૦૨૫) પડતર છે જેનો હજુ કોઈ ચુકાદો આવ્યો નથી. વર્ષ ૨૦૨૨ થી સોસાયટી દ્વારા RMCની વિવિધ શાખાઓમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, RMC ના અધિકારીઓએ પાણી અને ગટર જોડાણ કાપવા કે બાંધકામ અટકાવવા કોઈ જ નક્કર કાર્યવાહી કરી નથી, જે RMC અધિકારીઓ અને બિલ્ડર વચ્ચેની સાંઠગાંઠ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
નેહરુનગર સોસાયટીના પ્રમુખ અને સભાસદોએ આક્ષેપ કર્યો છે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર કાર્યરત થઈ રહેલા આ કોમ્પ્લેક્સમાં જો ભવિષ્યમાં ‘ટીઆરપી ગેમ ઝોન’ જેવી કોઈ મોટી આગની દુર્ઘટના સર્જાશે અને નિર્દોષ લોકોના જીવ જશે, તો તેના માટે સંપૂર્ણપણે RMCના અધિકારીઓ જ જવાબદાર રહેશે.
આ ગંભીર બાબતને લઈને સોસાયટીએ છેક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ RMC કમિશનર અને મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને તાત્કાલિક અસરથી આ બિલ્ડીંગને સીલ કરવા અને ફર્નિચર કામ અટકાવવા ઉગ્ર માંગ કરી છે. જો વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સોસાયટીએ ફરી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.