'ડોન 3' નો ₹45 કરોડનો વિવાદ: રણવીર સિંહે IMPAA સામે કેસની ચીમકી આપી
-
ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન IMPAA ને ઝઘડામાં વચ્ચે ન પડવા રણવીરની ચેતવણી
-
રણવીરની કાનૂની ટીમે એક્સલ એન્ટરટેઇનમેન્ટ સાથે વિધિવત કરાર હોવાનો ઇનકાર કર્યો
-
IMPAA એ રણવીરના પિતા સાથે યોજાનારી સમાધાન બેઠક છેલ્લી ઘડીએ મોકૂફ રાખી
સિટી ન્યુઝ @ મુંબઈ
બોલિવૂડની આગામી ચર્ચિત ફિલ્મ 'ડોન 3' ને લઈને અભિનેતા રણવીર સિંહ અને નિર્માતા કંપની એક્સલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે ચાલી રહેલો ₹45 કરોડનો વિવાદ શાંત થવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે. આ મામલે હવે કાનૂની લડાઈ શરૂ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. રણવીર સિંહે પોતાની લીગલ ટીમ મારફતે ફિલ્મ નિર્માતાઓના સંગઠન ધ ઇન્ડિયન મોશન પિક્ચર એસોસિએશન (IMPAA) ને એક પત્ર મોકલીને આ સમગ્ર વિવાદમાં વચ્ચે ન પડવા સ્પષ્ટ જણાવી દીધું છે.
રણવીર સિંહે પોતાના પત્રમાં ચેતવણી આપી છે કે જો IMPAA આ બાબતમાં બિનજરૂરી મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશે તો સંસ્થાને પણ અદાલતમાં ખેંચવામાં આવશે. રણવીરની કાનૂની ટીમે આ કેસને કોન્ટ્રેક્ટ અને ન્યાયક્ષેત્રના મુદ્દા પર પડકાર્યો છે. વકીલોએ પત્રમાં સ્પષ્ટતા કરી છે કે અભિનેતા અને એક્સલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે કોઈ આખરી અને વિધિવત કરાર થયો નહોતો, પરંતુ બંને પક્ષો વચ્ચે માત્ર 1 મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યો હતો.
કાનૂની ટીમે પત્રમાં વધુમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આ ફરિયાદ IMPAA ના કાર્યક્ષેત્રમાં આવતી નથી, તેથી એસોસિએશને તેને તાત્કાલિક અસરથી ફગાવી દેવી જોઈએ. આ પ્રકારના નાણાકીય અને કરાર આધારિત વિવાદોનો યોગ્ય નિકાલ માત્ર દીવાની અદાલત જ કરી શકે છે. કોઈ સંગઠન પોતાની રીતે આમાં ફેંસલો લાદી શકે નહીં તેવી દલીલ રણવીરના વકીલો દ્વારા કરવામાં આવી છે.
રણવીર સિંહ તરફથી મોકલવામાં આવેલા આ કડક કાનૂની પત્રની તાત્કાલિક અસર જોવા મળી હતી. આ મામલે ચર્ચા કરવા માટે IMPAA દ્વારા બોલાવવામાં આવેલી બેઠક તાત્કાલિક ધોરણે મુલતવી રાખવામાં આવી હતી. રણવીરના પિતા જ્યારે એસોસિએશનના હોદ્દેદારોને મળવા પહોંચ્યા ત્યારે તેમને બેઠક રદ થઈ ગઈ હોવાનું જણાવીને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
IMPAA સાથેની બેઠક રદ થયા બાદ અને કાનૂની નોટિસ બાદ આ આખો મામલો હવે ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. ₹45 કરોડના આ વિવાદમાં એક્સલ એન્ટરટેઇનમેન્ટના કર્તાધર્તા અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર હવે શું કાનૂની કે વ્યાવસાયિક વલણ અપનાવે છે તેના પર સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની નજર ટકેલી છે.
'ડોન 3' વિવાદમાં IMPAA સામે રણવીરની ચીમકી
'ડોન 3' ફિલ્મના ₹45 કરોડના વિવાદમાં રણવીર સિંહે IMPAA ને નોટિસ આપી મધ્યસ્થી ન કરવા અને કોર્ટમાં ખેંચવાની ચીમકી આપી છે. વકીલોએ દાવો કર્યો કે ફિલ્મ માટે માત્ર MOU થયો હતો, કોઈ કાયદેસર કોન્ટ્રેક્ટ નથી. પત્ર બાદ એસોસિએશને રણવીરના પિતા સાથેની બેઠક રદ કરી દીધી છે. હવે આ મામલે નિર્માતા ફરહાન અખ્તરના વલણ પર સૌની નજર છે.