Loading Please Wait !!!
કોંગ્રેસનો ડબલ અટેક; રામ મંદિર અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી

ગુજરાત કોંગ્રેસના પ્રભારી વાસનિક રાજકોટમાં

રામ મંદિરમાં લૂંટની જવાબદારી PM મોદીએ લેવી જોઈએ

રામ મંદિર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મુકુલ વાસનિકે જણાવ્યું કે, રામ મંદિરનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને નિર્માણના તમામ બાબતોનું પૂરું શ્રેય જો વડાપ્રધાન લેતા હોય તો ત્યાં જે કોઈ લૂંટ થઈ હોય તો તેની જવાબદારી પણ વડાપ્રધાન સિવાય અન્ય કોઈના પર નાખવી શું યોગ્ય ગણાશે? તેમણે વડાપ્રધાન પાસે માંગ કરી છે કે તેમણે દેશની જનતાને જણાવવું જોઈએ કે રામ મંદિરમાં આ પ્રકારની લૂંટ કેવી રીતે થઈ? આ સાથે જ તેમણે ટકોર કરી કે સરકારે માત્ર નાના લોકો સામે નહીં પરંતુ ‘મોટી માછલીઓ’ (મુખ્ય સૂત્રધારો) પર હાથ નાખવાની હિંમત બતાવવી જોઈએ. જ્યારે પત્રકારે પૂછ્યું કે ‘શું યશવંત રાયને બચાવવામાં આવી રહ્યા છે?’, ત્યારે વાસનિકે ટૂંકમાં કહ્યું કે, “આ બાબત મારા કરતા વધુ સારી રીતે તમે (મીડિયા) જાણો છો.”

ખેડૂતોને પાકના ભાવ ન મળતા આત્મહત્યા કરવા મજબૂર

રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રામ મંદિર અને ખેડૂતોના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવ મુદ્દે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેના માટે ભાજપ સરકાર જવાબદાર છે. આ તકે તેમણે એમ. એસ. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોના પાકના ભાવ માટે તેમને જે ફોર્મ્યુલા સૂચવી હતી તે ફગાવી દેવામાં આવી હોવાનું જણાવી ભાજપ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, વડાપ્રધાનથી લઈને તેમના તમામ સાથીઓ સતત ખેડૂતોની આંખમાં ધૂળ ઝોંકવાનું કામ કરી રહ્યા છે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે, ત્યારે ખેડૂતોને પાકના લઘુત્તમ ભાવ (MSP) અંગે વડાપ્રધાન પોતે મોટા-મોટા નિવેદનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તેઓ બધું ભૂલી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોના પાકના ભાવ માટે તેમણે જે ફોર્મ્યુલા ભારત સરકાર સમક્ષ રજૂ કર્યો હતો તેને મોદી સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આજે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર ગુજરાતનો ખેડૂત પરેશાન છે. જો ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય, તો પરિસ્થિતિ કેટલી ભયંકર છે તે આપણે સમજી લેવું જોઈએ.”