Loading Please Wait !!!
સ્ટેન્ડિંગ કમિટીમાં 2.68 કરોડના વિકાસકામો મંજૂર મહાલપાલિકા ‘ઝાડ’ વાવશે!

 

  • ગ્રીન રાજકોટ માટે 66.50 લાખના ખર્ચે 72 હજાર વૃક્ષો રોપવાનો નિર્ણય

  • ચોમાસામાં ઓફિસે આવતા પહેલા અધિકારીઓને પોતાના વોર્ડની મુલાકાત લેવા મેયરનો આદેશ

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટને 4 વર્ષ સુધી વૃક્ષોની જળવણી અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી : સ્ટે. ચેરમેન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મનપા કચેરી ખાતે આજે ૮ જુલાઈ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જોકે માત્ર ત્રણ દરખાસ્તો સાથેની આ બેઠક નિરસ રહી હતી. બેઠકમાં શહેરના વિકાસ અને પર્યાવરણને લગતી દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ રૂ. ૨.૬૮ કરોડથી વધુના ખર્ચની બે દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પર્યાવરણની જાળવણી અને શહેરને હરિયાળું બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત મનપા વિવિધ પ્લોટ ઉપરાંત લાપન સફારી પાર્ક આસપાસના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરશે. રૂ. ૬૬.૫૦ લાખથી વધુના ખર્ચે ૭૨ હજાર કરતા વધુ વૃક્ષો રોપવાનો નિર્ણય લેવાયો છે.

આ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત રૂ. ૬૬.૫૫ લાખના ખર્ચે ૭૨,૦૦૦ કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો, ૭૨,૦૦૦ વૃક્ષો વાવવા પાછળ રૂ. ૬૬.૫૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે, જેનો અર્થ એ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા એક વૃક્ષના ઉછેર અને વાવેતર પાછળ સરેરાશ રૂ. ૬૨.૪૩ જેટલો અંદાજિત ખર્ચ કરવામાં આવશે. આ આયોજન પાછળ માત્ર વૃક્ષો વાવવાનો જ નહીં, પરંતુ તેના લાંબા ગાળાના ઉછેરનો એન્ગલ પણ સામેલ રાખવામાં આવ્યો છે.

રાજકોટમાં ચોમાસાની શરૂઆત થતાં જ રોડ-રસ્તા પર સર્જાયેલી સમસ્યાઓને પગલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ મેયર ડો. નેહલ શુક્લએ કમિશનર તુષાર સુમેરાની હાજરીમાં તમામ ડેપ્યુટી કમિશનરો, આસિસ્ટન્ટ કમિશનરો અને શાખા અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મેયરે તમામ અધિકારીઓને ઓફિસે આવતા પહેલા પોતાના તાબા હેઠળના વોર્ડમાં આંટો મારી, સમસ્યાનો નિકાલ કરીને ઓફિસે આવવાનો કડક આદેશ આપ્યો છે. પર્યાવરણને નવું જીવન આપવા માટે આ વખતે મનપા દ્વારા આધુનિક પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. કુલ ૭૨,૦૦૦ વૃક્ષોમાંથી ૮૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર જાપાનીઝ ‘મિયાવાકી પદ્ધતિ’થી કરવામાં આવશે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે તેનાથી ખૂબ ટૂંકા ગાળામાં ગીચ જંગલ તૈયાર કરી શકાય છે અને છોડનો વિકાસ સામાન્ય કરતા ઘણો ઝડપી થાય છે. આ સિવાય અન્ય ૪,૦૦૦ વૃક્ષો પરંપરાગત અને નિયમિત પદ્ધતિથી રોપવામાં આવશે. આમ કુલ મળીને ૭૨,૦૦૦ વૃક્ષોથી રાજકોટના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં કુલ ૩ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દરખાસ્ત ફાયર બ્રિગેડના સાપ્તાહિક રિપોર્ટ અંગેની હતી, જ્યારે બીજી મહત્વની દરખાસ્ત રાજકોટ શહેરના જુદા જુદા ડીપ સ્કીમમાં કલોટો તેમજ લાપન સફારી પાર્ક ખાતે આવેલી ખુલ્લી જગ્યાઓમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા બાબતની હતી. આ ઉપરાંત ત્રીજી દરખાસ્ત માધાપર ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની મેઈન્ટેનન્સની કામગીરી આપવા અંગેની હતી. આ બેઠકમાં કોઈપણ પ્રકારની અર્જન્ટ દરખાસ્ત લાવવામાં આવી નહોતી અને નિયમિત દરખાસ્તોને યોગ્ય ચર્ચા બાદ મંજૂરી આપી દેવાઈ છે. વૃક્ષોની પસંદગી અંગે વિગત આપતા પરેશ પીપળિયાએ ઉમેર્યું હતું કે, મિયાવાકી પદ્ધતિમાં એવા વૃક્ષો પસંદ કરાશે જે ઝડપથી જંગલ જેવું સ્વરૂપ ધારણ કરી શકે અને જેની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય. આ વૃક્ષો સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા જ રાખવામાં આવશે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાને આગામી ૪ વર્ષ સુધી વૃક્ષોની જાળવણી અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.