ગેરકાયદે કતલખાનાનું ‘રાજ’ કોટ તંત્ર આંખે આંધળું!
‘ખાનગી ગોઠવણ’ની ગંધ ! ગેરકાયદે વેંચાણ પર મૌન કેમ
-
■ 25 વર્ષની ભાજપનું શાસન નોનવેજ નગરી બનાવી દીધું
-
■ હવે તો વિવિધ સોસાયટી બહાર નોનવેજની રેંકડીઓ બેફામ
-
■ આરોગ્ય નિયમોના ધજાગરા કોઈ કાર્યવાહી નહીં
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં ગેરકાયદે નોનવેજ વેચાણનો મુદ્દો ફરી ગરમાયો છે. સદરબજાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં મંજૂરી વગર માંસ-મટનના હાટડાં ખુલ્લેઆમ ચાલતા હોવા છતાં મહાનગરપાલિકા મૌન ધારણ કરી બેઠી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
માહિતી મુજબ, રાજકોટ શહેરમાં ૧૯૬૨થી ભીલવાસ ચોક વિસ્તારમાં એકમાત્ર અધિકૃત કતલખાનું કાર્યરત છે. તેમ છતાં, શહેરના ખોડિયારનગર, મોચીબજાર અને સદરબજાર સહિતના વિસ્તારોમાં અડધો ડઝનથી વધુ ગેરકાયદે કતલખાના અને નોનવેજ દુકાનો મંજૂરી વગર ધમધમી રહી છે.
આ દુકાનોમાં આરોગ્ય વિભાગના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં નોનવેજ વેચાણ થવાથી સ્વચ્છતા અને જાહેર સુરૂચિ પર પણ પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક વેપારીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ફૂડ અને આરોગ્ય વિભાગને માત્ર વેજિટેરિયન દુકાનો જ દેખાય છે, જ્યારે ગેરકાયદે નોનવેજ હાટડાં સામે કોઈ કાર્યવાહી થતી નથી.
કાર્યવાહી કેમ નહીં?
નિયમો મુજબ, ગેરકાયદે કતલખાના અને નોનવેજ દુકાનો સામે આરોગ્ય અને ફૂડ વિભાગે સુઓ મોટો કાર્યવાહી કરવી જોઈએ. દરોડા પાડી દુકાનો બંધ કરાવી અને કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે. તેમ છતાં, અત્યાર સુધી કોઈ સખત પગલાં ન લેવાતા “ખાનગી ગોઠવણ”ના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.