ગિરનાર પર સિંહ બાળકને મોઢામાં પકડી ભાગ્યો
ગિરનાર પર્વત પર ઈતિહાસની સૌથી મોટી અને પ્રથમ ઘટના
વહેલી સવારે કાકાની આંગળી પકડી ચાલતા માસુમ ભત્રીજાને સિંહ ખેંચી ગયો: બુટ-કપડા અને શરીરનાં અંગ મળતા હાહાકાર મચ્યો
DCF સહિતની ટીમ જંગલમાં ઉતરી: ત્રણ સિંહની શોધખોળ
જૂનાગઢના ગિરનાર પર્વત પર ઈતિહાસની સૌથી મોટી અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે સીડી ચઢી રહેલા એક માસુમ બાળકને સિંહ ખેંચી ગયો છે. હાલ ડીસીએફ અક્ષય જોશી અને પેટર્નરી ડોક્ટરોની ટીમ બોરદેવી વિસ્તારના આ ત્રણેય સિંહોને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં જોડાઈ ગઈ છે. જૂનાગઢના ઈતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. યાત્રિકોમાં ભય વચ્ચે વન વિભાગે સિંહનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. તો પર્વત પર ત્રણ દિવસથી સાવજો ફરતા હોવાનું લોકોએ કહ્યું હતું.
વન વિભાગે પ્રવેશ બંધ કર્યો: મહેમદાવાદનાં મોડજ ગામનો આદિવાસી પરિવાર ગિરનાર દર્શને આવ્યો’તો
સીટી ન્યૂઝ@જૂનાગઢ
જૂનાગઢના વિશ્વ વિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના ૧૧ વર્ષના નિર્દોષ બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. વહેલી સવારે કરી ઝાડીઓમાં ખેંચી જતા બાળકના બુટ-કપડા, શરીરનાં અવશેષો મળ્યા હતા ઘટનાના પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ અંગે બાળકના કુટુંબી કાકા ચૌહાણ અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે, તેઓ સવારે ગિરનારના પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે ગેથી અંદર આશરે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતા જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના અવશેષો જ હાથ લાગ્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે સીડીઓ પર લાઈટની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંધારામાં વન્યજીવ બેઠો હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તહેનાત કરવા જોઈએ.તેવો રોષ ઠાલવ્યો હતો.માંડ ૫૦ પગથિયાં ચઢ્યા ત્યાં અચાનક સિંહ અને સગા સંદીપભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે, તેઓ રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે આશરે પોણા છ વાગ્યે ૫૦ થી ૬૦ જેટલા યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું.માંડ ૫૦ પગથિયાં ચઢ્યા ત્યાં જ અચાનક સિંહે આવીને બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ત્રણ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો, તેમ છતાં લાઈટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે.
મૃતક બાળક માતા-પિતા વિના કાકાની સાથે આવ્યો હતો
જૂનાગઢના ગિરનાર પર્વતના ગિરનાર દરવાજા પાસે જ આજે વહેલી પરોઢે કાકા સાથે પગથિયા ચઢતા માસુમ બાળકને મનભેદક્ષી સિંહ ઉઠાવી ફાડી ખાતા પરિવાર ભાંગી પડ્યો હતો.મહેમદાવાદના મોડજ ગામેથી આદિવાસી પરિવાર સ્પે. બસ મારફત જૂનાગઢ ભવનાથ તળેટી આવ્યો હતો. આજે વહેલી સવારે ગિરનાર દરવાજાથી ૫૦ પગથિયા પહોંચેલા મયુરસિંહ ચૌહાણ (ઉ.વ.૧૧)એ કાકા પ્રભાતસિંહની હાજરીમાં સિંહ ખેંચી જતાં પરિવારજનોએ ચીસાચીસ કરી મૂકી હતી.આખરે ભવનાથ પોલીસ દોડી આવી હતી અને બાળકના અવશેષો હાથ વગ કર્યા હતાં.