Loading Please Wait !!!
જયંત પંડ્યા ‘સનાતન ધર્મ’ના વિરોધી ખ્રિસ્તીઓ લૂલા-લંગડાને દોડતા કરે છે ત્યાં કેમ ચૂપ

■ સૂરત બજરંગદળ પ્રમુખ જય પટેલની વિજ્ઞાન જાથાને ચેતવણી
■ પાદરીઓને ચેલેન્જ આપો તો જયંત પંડ્યાને 1001 ડોલરનું ઇનામ
■ રાજકોટમાં કથાના આયોજનને લઈ તંત્ર એલર્ટ મોડ પર
■ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સભામાં વિરોધ કરશો તો ધોલાઈ કરશું : બજરંગદળ

સિટી ન્યૂઝ@રાજકોટ

આગામી તારીખ ૫થી ૯ જૂન દરમિયાન રાજકોટના આંગણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ભવ્ય 'હનુમંત કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બાબાના આગમન પૂર્વે જ રાજકોટમાં વિરોધ અને સમર્થનનો ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ અંધશ્રદ્ધા સામે લડતા 'વિજ્ઞાન જાથા' એ બાબાની દિવ્ય શક્તિઓ સામે સવાલો ઉઠાવી પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોએ વિજ્ઞાન જાથાની દાનત સામે સવાલ ઉઠાવી ખુલ્લી ચેતવણી આપી છે.

વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ધીરેન્દ્ર શાસ્ત્રી જે પણ જગ્યાએ જાય છે ત્યાં વાદ-વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ કોઈ સંત કે કથાકાર નથી. તેમણે રાજકીય પક્ષને ઓથ આપનારી વાતો કરી છે અને 'ચાર બાળકો પેદા કરો' જેવી વર્ણન ન કરી શકાય તેવી સલાહો આપીને લોકોમાં ખોટી દહેશત ઊભી કરી છે.”

જયંત પંડ્યાએ કથા દરમિયાન અપાતા પરચાને અવાસ્તવિક ગણાવતા મોટો પડકાર ફેંક્યો છે. તેમણે ઉમેર્યું કે, “કથા દરમિયાન જે પરચા અને દિવ્ય શક્તિઓની વાતો કરવામાં આવે છે તે તદ્દન અવિજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે તેમને ત્રણ પ્રશ્નો પૂછવાના છીએ. જો તેઓ અમારા વિજ્ઞાન મંચ પર આવીને આ પ્રશ્નોના સાચા સાબિતી સાથે જવાબો આપશે, તો અમે ૫૦ લાખ અને ૧ કરોડ રૂપિયા સુધીનું ઇનામ જાહેર કર્યું છે. જો તેઓ સાચા સાબિત થશે તો વિજ્ઞાન જાથા પોતાની સંસ્થા કાયમ માટે બંધ કરવાની પણ જાહેરાત કરશે.” આ ઉપરાંત કથા દરમિયાન વિજ્ઞાન જાથા દ્વારા સૂત્રચારો અને ધરણાંના કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.

વિજ્ઞાન જાથાના આ પડકાર સામે બજરંગ દળે આકરો મોરચો માંડ્યો છે. સૂરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલે જયંત પંડ્યાને ફોન પર આડે હાથ લીધા બાદ એક વીડિયો જાહેર કરીને ખુલ્લી ચેતવણી આપી છે. જય પટેલે જણાવ્યું હતું કે, “જ્યારે પણ સનાતન ધર્મની કોઈ વાત આવે ત્યારે જ વિજ્ઞાન જાથા ચેલેન્જ કરવા પહોંચી જાય છે. હું જયંત પંડ્યાને સવાલ પૂછવા માંગુ છું કે અમારા દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ગોધરા અને દાહોદ જેવા વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જે પ્રાર્થના સભાઓ યોજાય છે, ત્યાં તેઓ ક્યારે જશે? આ સભાઓમાં લંગડાને ચાલતા કરવાના, હકલાને બોલતા કરવાના અને બીમારને સાજા કરવાના ખોટા પ્રચારો કરીને મોટા પાયે અંધશ્રદ્ધા ફેલાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે.

વિજ્ઞાન જાથા માત્ર સનાતન ધર્મનો જ વિરોધ કરે છે : જય પટેલ
જય પટેલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, “સૌરાષ્ટ્ર-કચ્છ બાજુ કેન્સર સાજું કરવાના પણ દાવા થાય છે. જો વિજ્ઞાન જાથામાં તાકાત હોય તો ત્યાં જઈને રૂબરૂ ચેલેન્જ આપે. જો તેઓ તે પાદરીઓ અને પાસ્ટરો સામે જઈને આવી ચેલેન્જ આપશે, તો મારી તરફથી વિજ્ઞાન જાથાને ૧૦૦૧ ડોલરનું ઇનામ આપવામાં આવશે. વિજ્ઞાન જાથા માત્ર સનાતન ધર્મનો જ વિરોધ કરે છે, કારણ કે હિન્દુ સમાજ શાંત છે અને કંઈ કહેતો નથી. જો આ લોકો રાજકોટમાં જાહેર સભામાં વિરોધ કરવા આવશે, તો સનાતનીઓ દ્વારા જે ધોલાઈ થશે તેની કોઈ સીમા નહીં રહે.

=> ફોન પર વાતચીતના અંશો

■ જય પટેલ: વિજ્ઞાન જાથામાંથી જયંતભાઈ પંડ્યા વાત કરો છો?
■ જયંત પંડ્યા: બોલો, બોલો.
■ જય પટેલ: જયંતભાઈ, આપ દર વખતે જ્યારે જ્યારે કંઈ સનાતનનો કોઈ વાત હોય ત્યાં તમે ચેલેન્જ કરો છો, વિજ્ઞાનજાથાને લઈને પહોંચો છો. તો હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું. હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું... કે અમારા દક્ષિણ ગુજરાત છે, પછી આ બાજુ અમદાવાદના બધા વિસ્તાર છે, આપણે ગોધરા-દાહોદ બાજુ છે, આ બાજુ જે ખ્રિસ્તીઓની, ઇસાઈ મિશનરીઓની જે પ્રાર્થનાસભાઓ થાય છે, એમાં એ લોકો છે કોઈ લૂલાને, લંગડાને દોડતો કરે છે, હકલાને બોલતો કરે છે, બીમારને સાજા કરે છે, એ લોકો આવો જ પ્રચાર કરીને અંધશ્રદ્ધા ફેલાવે છે. તો ત્યાં તમે ક્યારે જશો?
■ જયંત પંડ્યા: હવે... તમે... હું અત્યારે એક્ચ્યુઅલી કાર્યક્રમમાં જ છું, છતાં પણ વાત કરું છું. ૩૫ વર્ષની અંદર ૧૬ જેટલા ફિક્શન મિશનરી..
■ જય પટેલ (વચ્ચે અટકાવતા): નહીં નહીં, હવે એ ...તમે અત્યાર સુધી કર્યું એ તો મેં કોઈ દિવસ જોયું નથી. હું જ્યારથી સમજતો થયો ત્યારથી જયંત પંડ્યાને આવી બુવા-ભરાડી પાસે જ જતાં જોયા છે, સાધુ-સંતો પાસે જ જોતાં જોયા છે. હવે હું તમને ઇન્ફોર્મેશન આપું કે આ વિસ્તારમાં આ જગ્યાએ આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે પાસ્ટરો દ્વારા, તો તમે આવશો?
■ જયંત પંડ્યા: જયંત પંડ્યા: કહેજો... હા, કહેજો... હા ૧૦૦ ટકા.