જાફરાબાદના મહંત અયોધ્યાથી નેપાળ પ્રવાસે ગયા બાદ ગુમ !
જાફરાબાદના ખેડેરી હનુમાનજી મંદિરના મહંત ગોમતીબાપુ 10 દિવસથી સંપર્ક વિહોણા થતાં સેવકોમાં ચિંતા, શોધખોળ શરૂ કરવામાં આવી: તંત્ર દ્વારા માહિતી આપવા અપીલ
સિટી ન્યૂઝ@અમરેલી
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકામાં આવેલા પ્રખ્યાત ખેડેરી હનુમાનજી મંદિરના મહંત ગોમતી બાપુ છેલ્લા ૧૦ દિવસથી સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો મળી છે. પૂજારી ગોમતી બાપુ અયોધ્યાથી નેપાળના પ્રવાસે ગયા હતા જ્યાં હાલમાં આવેલી કુદરતી આફત વચ્ચે તેઓ લાપતા થતાં તેમના સેવકો અને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગોમતી બાપુનો છેલ્લો સંપર્ક અયોધ્યા ખાતે તેમના સેવકો સાથે થયો હતો. ત્યારબાદ તેઓ નેપાળ તરફ આગળ વધ્યા હતા. છેલ્લા ૧૦ દિવસથી તેમનો કોઈ પતો લાગી રહ્યો નથી. હાલમાં મહંતનો મોબાઈલ કે અન્ય કોઈ માધ્યમથી સંપર્ક ન થઈ શકતા સેવકો અને ભક્તો ભારે ચિંતામાં મુકાણા છે.
બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર અને સેવકો દ્વારા મહંતની શોધખોળના ચકો ગતિમાન કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, જો કોઈને પણ મહંત ગોમતી બાપુ અંગે કોઈ પણ પ્રકારની માહિતી તો તેમણે તુરંત જ જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી જાણ કરવા અપીલ કરી છે.