હીરાસર એરપોર્ટના 160થી વધુ શ્રમિકોને PF-ESI અને સમયસર પગારનો ન્યાય
» અભિષેક ગોરીની લેખિત લડત સફળ; બાકી રકમ ચૂકવવા અને દર મહિનાની ૧થી ૧૦ તારીખમાં પગાર જમા કરવાની ખાતરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ આધારે કાર્યરત ૧૬૦થી વધુ સફાઈકામદારો, ઓપરેટરો અને સુપરવાઈઝરોના PF, ESI અને પગાર સંબંધિત મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી ગંભીર સમસ્યાનો અંત આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અભિષેક ગોરીની આગેવાનીમાં સતત અને દ્રઢ રજૂઆતો બાદ કંપનીએ બાકી નાણાં ચૂકવવા તેમજ દર મહિનાની ૧થી ૧૦ તારીખ વચ્ચે નિયમિત રીતે પગાર જમા કરાવવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.
અભિષેક ગોરીએ જણાવ્યું હતું કે હીરાસર એરપોર્ટ પર કામગીરી કરતી ખાનગી કંપની 'અસીમ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ' છેલ્લા એક વર્ષથી કર્મચારીઓના પગારમાંથી PF અને ESIની રકમ કાપતી હોવા છતાં તે સંબંધિત સરકારી ખાતામાં જમા કરતી ન હતી. ઉપરાંત કર્મચારીઓને સમયસર પગાર પણ મળતો ન હોવાથી તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ ગંભીર મુદ્દે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મુખ્યમંત્રી કાર્યાલય, રાજકોટ કલેક્ટર તેમજ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ સમક્ષ પુરાવા સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.
આ રજૂઆતોના અનુસંધાનમાં વહીવટી તંત્ર સક્રિય બનતા કંપનીએ કર્મચારીઓના બાકી PF, ESI અને બોનસની સંપૂર્ણ ચૂકવણી કરવાની તેમજ ભવિષ્યમાં દર મહિનાની ૧થી ૧૦ તારીખ દરમિયાન નિયમિત પગાર જમા કરાવવાની લેખિત ખાતરી આપી હોવાનું જણાવાયું છે. આ નિર્ણયથી શ્રમિકોમાં વિશ્વાસ અને રાહતનો માહોલ સર્જાયો છે.
આ નિર્ણય બાદ એરપોર્ટના ૧૬૦થી વધુ કર્મચારીઓએ અભિષેક ગોરીનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે અને ભાજપ સંગઠનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.