ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી 5નાં મોત
- છત્તીસગઢ બોર્ડર પર પહોંચ્યુ મોન્સૂન
સીટી ન્યૂઝ@લખનૌ
દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે. રાજસ્થાન સહિત ૯ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં શનિવારે સાંજે ભોપાલ સહિત ૪ જિલ્લામાં ભારે વરસાદ થયો. ઘણી જગ્યાએ વીજળીના તાર, વૃક્ષો તૂટી પડ્યા. યુપીમાં વાવાઝોડા-વરસાદ દરમિયાન થયેલા અકસ્માતોમાં ૫ લોકોના મોત થયા. ઉન્નાવ અને ગાઝીપુરમાં વીજળી પડવાથી બે લોકોના જીવ ગયા. જ્યારે, કાસગંજમાં વાવાઝોડાને કારણે મકાનની છત પડી ગઈ, જેમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત થયું.
રાજસ્થાનમાં જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં શનિવારે વરસાદ થયો. ચુરુ જિલ્લામાં વાવાઝોડા-વરસાદને કારણે એક મકાનની દીવાલ પડી ગઈ, જેમાં પરિવારના ૪ સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા. ગ્રામજનોએ તરત જ રાહત કાર્ય શરૂ કર્યું અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા.
મોન્સૂનનું ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાલ તે છત્તીસગઢની સરહદ પર છે. આગામી ૩ દિવસમાં તેના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પહોંચવાની સંભાવના છે. ૪ જૂને કેરળમાં દસ્તક આપ્યા પછી મોન્સૂન ૯ દિવસમાં ૧૯ રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ઘણા શહેરોમાં શુક્રવારે પારો ૪૦C થી વધુ રહ્યો. દેશમાં સૌથી વધુ પારો મહારાષ્ટ્રના યવતમાલમાં નોંધાયો. અહીં પારો ૪૨.૪C રહ્યો. જ્યારે છત્તીસગઢના રાજનાંદગાંવમાં ૪૨C, ગુજરાતના ભાવનગરમાં ૪૧.૬C, રાજસ્થાનના જેસલમેરમાં ૪૦.૮C નોંધાયો.