Loading Please Wait !!!
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: TMCના 20 સાંસદોએ મમતાનો સાથ છોડ્યો

  • ત્રિપુરાની NCPI પાર્ટીમાં વિલયની જાહેરાત, પીએમ મોદીના નેતૃત્વમાં કામ કરવાનો હુંકાર
  • બળવાખોર જૂથે સ્પીકર ઓમ બિરલાને મળ્યો, સંસદમાં અલગ બેઠક અને ચૂંટણી ચિહ્ન પર પણ દાવો
  • સુદીપ બંદ્યોપાધ્યાય પર સાધ્યું નિશાન: "બીમારીનું બહાનું કાઢીને દિલ્હી ગયા અને ગદ્દારી કરી"

સિટી ન્યુઝ @ કોલકાતા

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અત્યંત મોટો અને ઐતિહાસિક ભૂકંપ આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કુલ 28 માંથી 20 લોકસભા સાંસદોએ મમતા બેનરજીનો સાથ છોડીને રવિવારે ત્રિપુરાની નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી (NCPI) માં વિલય કરવાની જાહેરાત કરી છે. સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને આ અંગેનો ઔપચારિક પત્ર સોંપી દીધો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, "અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સાથે મળીને કામ કરીશું." સ્પીકર ઓમ બિરલા સાથેની મુલાકાતમાં 17 સાંસદો રૂબરૂ હાજર રહ્યા હતા. આ મુલાકાત પહેલાં બળવાખોર જૂથે બંગાળ ભાજપ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે પણ બંધ બારણે બેઠક કરી હતી.

આ બળવાને કારણે મમતા બેનરજીની છાવણીમાં ભારે હડકંપ મચી ગયો છે. TMC સાંસદ મહુઆ મોઇત્રાએ રોષે ભરાઈને સોશિયલ મીડિયા પર બળવાખોર નેતા સુદીપ બંદ્યોપાધ્યાય પર આકરા પ્રહારો કરતા લખ્યું છે કે, "દાદા, તમે 2017 માં રોઝ વેલી કેસ વખતે પણ બીમારીનું બહાનું બનાવ્યું હતું. હવે ફરી બીમારીના બહાને તમે દિલ્હી જઈને પાર્ટી સાથે ગદ્દારી કરી છે." પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે જ આ 20 સાંસદોએ NCPI માં વિલયનો માર્ગ અપનાવ્યો છે. બળવાખોર જૂથનું કહેવું છે કે તેમની પાસે બે-તૃતીયાંશ બહુમતી હોવાથી અસલી TMC તેઓ જ છે અને જુલાઈમાં તેઓ TMC ના 'જોડિયા ફૂલ' ચૂંટણી ચિહ્ન પર પણ કાયદાકીય દાવો ઠોકશે. તેમણે સ્પીકર પાસે સંસદમાં અલગ બેસવા માટેની જગ્યા પણ માંગી છે.

બીજી તરફ, મમતા બેનરજી જૂથે પણ વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ તાત્કાલિક લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આ બળવાખોર જૂથને માન્યતા ન આપવા માટે કડક માંગ કરી છે. રસપ્રદ બાબત એ છે કે જે NCPI પાર્ટીમાં TMC ના સાંસદો જોડાયા છે, તે ત્રિપુરાની એક બિન-માન્યતા પ્રાપ્ત નાની રાજકીય પાર્ટી છે. 2023 ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીના એક દૈનિક મજૂર ઉમેદવાર બરજેદાને માત્ર 536 વોટ મળ્યા હતા. ખુદ બરજેદા પણ 20 સાંસદોના વિલિનીકરણના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

કોણ છે અસલી TMC? 20 લોકસભા સાંસદોના પક્ષપલટાથી બંગાળનું રાજકારણ ગરમાયું છે. બળવાખોર જૂથે બે-તૃતીયાંશ બહુમતી સાથે પાર્ટી પર દાવો કર્યો છે. આ વિવાદ હવે કાનૂની અને ચૂંટણી પંચના દરવાજે પહોંચશે તે નિશ્ચિત છે. મમતા બેનરજી માટે પોતાના ગઢમાં ઉભો થયેલો આ બળવો અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે. આ વિવાદનું પરિણામ બંગાળના ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરશે.