Loading Please Wait !!!
વાદળોએ અંતે મૌન તોડ્યું!

ધમાકેદાર એન્ટ્રી : ગુજરાતમાં સિઝનનો 8.46% વરસાદ; 30%ની ઘટ

ડાંગના વધઈમાં ચીખલીમાં વલસાડમાં ડાંગમાં
12 ઈંચ 9 ઈંચ 8 ઈંચ 6 ઈંચ

 મધ્યગુજરાતમાં 1 થી 12 ઈંચ વરસાદ

સિટી ન્યૂઝ@રાજકોટ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ આજે ગુજરાત રાજ્યમાં સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં જોવા મળી છે, જ્યાં માત્ર ૮ કલાકમાં ૧૨.૪૮ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. વધઈમાં સવારે ૧૦ થી ૧૨ વાગ્યાના બે કલાકમાં જ ૫.૬૩ ઈંચ (૧૪૩ મીમી) વરસાદ તૂટી પડ્યો હતો. સુરતના ઉમરપાડા તાલુકામાં પણ ૧૦.૩૧ ઈંચ વરસાદ પડ્યો છે, જેમાં સવારે ૧૦ થી ૧૨ ના ગાળામાં ૪.૬૫ ઈંચ (૧૧૮ મીમી) વરસાદ નોંધાયો હતો. નવસારીના ચીખલીમાં સવારે ૮ થી ૧૦ વાગ્યાના માત્ર બે જ કલાકમાં ૭.૮૭ ઈંચ (૨૦૦ મીમી) વરસાદ ખાબકતા સ્થાનિક નદી-નાળાઓ છલકાઈ ગયા હતા.

ડાંગ જિલ્લામાં વધઈમાં ૧૨.૪૮ ઈંચ, આહવા (ધ ડાંગ્સ)માં ૭.૨ ઈંચ અને સુબીરમાં ૬.૧૪ ઈંચ વરસાદ પડ્યો છે. સુરત જિલ્લામાં ઉમરપાડામાં ૧૦.૩૧ ઈંચ, મહુવામાં ૪.૩૩ ઈંચ, બારડોલીમાં ૩.૩૫ ઈંચ, પલસાણામાં ૧.૩૮ ઈંચ, માંડવીમાં ૦.૮૭ ઈંચ, માંગરોળમાં ૦.૭૧ ઈંચ, ચોર્યાસીમાં ૦.૭૧ ઈંચ, કામરેજમાં ૦.૫૧ ઈંચ, ઓલપાડમાં ૦.૩૫ ઈંચ અને સુરત સિટીમાં ૦.૦૮ ઈંચ વરસાદ નોંધાયો છે., તાપી જિલ્લામાં ડોલવણમાં ૯.૬૫ ઈંચ, વાલોડમાં ૭.૨૮ ઈંચ, વ્યારામાં ૨.૯૯ ઈંચ, સોનગઢમાં ૦.૭૫ ઈંચ, ઉકાઈમાં ૦.૪૭ ઈંચ અને કુકરમુંડામાં ૦.૨૮ ઈંચ વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લામાં વાંસદામાં ૮.૯૪ ઈંચ, ચીખલીમાં ૮.૬૨ ઈંચ, ગણદેવીમાં ૭.૧૩ ઈંચ, ખેરગામમાં ૫.૬૩ ઈંચ, નવસારી તાલુકામાં ૧.૩૪ ઈંચ અને જલાલપોરમાં ૧.૩ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં ૭.૬ ઈંચ, નાનાપોંઢામાં ૩.૮ ઈંચ, કપરાડામાં ૩.૭૪ ઈંચ, ધરમપુરમાં ૩.૩૫ ઈંચ, પારડીમાં ૩.૩૫ ઈંચ, વાપીમાં ૨.૬૮ ઈંચ અને ઉમરગામમાં ૧.૫ ઈંચ વરસાદ ઝીંકાયો છે.

રાજ્યમાં 225 વીજ ફીડર ઠપ્પ

2 ડેમ હાઈ એલર્ટ પર, 10 ડેમોમાં નવા નીરના શ્રીગણેશ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. વરસાદી માહોલને પગલે રાજ્યના બે મહત્વના ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક ડેમોમાં પાણીનો સંગ્રહ ઝડપથી વધી રહ્યો છે. બીજી તરફ ભારે પવન અને વરસાદના કારણે વીજ માળખાને પણ નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના ૭ ડેમમાં પાણીનો જથ્થો ૭૦ ટકાથી વધુ જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ અને મહીસાગર જિલ્લાના વણાકબોરી ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના કુલ ૭ ડેમમાં પાણીનો જથ્થો ૭૦ ટકાથી વધુ થઈ જતાં સંબંધિત વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ નીચાણવાળા વિસ્તારો માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. એકપણ ડેમ સંપૂર્ણપણે નથી ભરાયો હાલ રાજ્યના ૨૦૬ ડેમોમાં ૨,૦૦,૮૪૬ એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે રાજ્યની કુલ જળસંગ્રહ ક્ષમતાના ૩૬ ટકા જેટલો છે. હજુ સુધી રાજ્યનો એકપણ ડેમ સંપૂર્ણપણે ભરાયો નથી, પરંતુ વરસાદની વર્તમાન સ્થિતિ જોતા આગામી દિવસોમાં અનેક ડેમોમાં પાણીનું સ્તર વધુ વધવાની શક્યતા છે.

ભારે વરસાદથી રાજ્યમાં 48 રાજમાર્ગો બંધ

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે રાજ્યના કુલ ૪૮ માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. નેશનલ હાઈવે (જામનગર) અને ૪ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૨ હાઈવે બંધ છે, જ્યારે પંચાયત હસ્તકના ૩૬ માર્ગો બંધ થતાં ગ્રામીણ જનજીવનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડમાં ભારે વરસાદના કારણે ૧૪ માર્ગ બંધ થયા છે, તેવી જ રીતે નવસારીમાં ૧૦ માર્ગ બંધ, જૂનાગઢમાં ૮ માર્ગ બંધ. સુરત, જામનગર, અમરેલીમાં દરેક જિલ્લામાં ૧-૧ રસ્તો બંધ થયા છે. આ સિવાય ૭ અન્ય માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે.