ચોમાસાના માઠા સંકેત : ગુજરાત પરથી વાદળો ગાયબ
રાજ્યમાં અત્યાર સુધી 17% વરસાદની ઘટ; ખેડૂતોની ચિંતા વધી
સીટી ન્યૂઝ@રાજકોટ
છેલ્લા બે દિવસમાં ગુજરાતના એકપણ જિલ્લા-તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો ૩૭C પાર રહ્યો, જેમાં ભાવનગર ૩૭.૨C સાથે સૌથી ગરમ, જ્યારે અમદાવાદ ૩૭.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર ૧ મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ સૂકું રહ્યું છે.
બીજી તરફ, ગુજરાત માટે ચોમાસાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની સેટેલાઈટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ થતાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદની ગેરહાજરીને કારણે હવે ફરી ગરમી અકળાવશે.
રાજ્યમાં ૭ જૂનથી ૧૧ જુલાઈ સુધીના વરસાદી આંકડા પર નજર કરીએ તો હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં હાલમાં ૧૬૨.૫ મિલીમીટર (૬.૪૨ ઈંચ) વરસાદ થયો છે, જે સામાન્ય રીતે ૧૯૬ મિલીમીટર (૭.૭૨ ઈંચ) થવો જોઈએ, એટલે કે રાજ્યમાં અત્યાર સુધી ૧૭% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો ગુજરાત પ્રદેશમાં ૨૨૫ મિમી (૮.૮૬ ઈંચ) વરસાદ સાથે ૧૦%ની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ૧૧૪ મિમી (૪.૪૯ ઈંચ) વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ૨૬% ઓછો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી દિવસોમાં અહીં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને ૧૬ જુલાઈએ પણ વાદળછાયા માહોલ વચ્ચે હળવી રાહત મળી શકે છે.