Loading Please Wait !!!
કેમિકલના ફીણથી ભાદર નદી ઝેરી બની ! જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ

નદીમાં પૂર આવતા જ છોડાયું ઝેરી કેમિકલયુક્ત પાણી

સીટી ન્યૂઝ@જેતપુર

જેતપુરમાં ફરી એકવાર પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારે વરસાદ અને ભાદર નદીમાં પૂર આવતાની સાથે જ ડાઈંગ ઉદ્યોગોમાંથી ઝેરી કલર-કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કેરાલી નજીક ભાદર નદીના પુલ પર વાયરલ થતા સફેદ ફીણની ચાદર છવાઈ ગઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

વરસાદની આડમાં પ્રદૂષણ કરનાર તત્વોએ નદીના વહેણમાં મોટા પ્રમાણમાં ઝેરી રસાયણો છોડતા ભાદર નદીનું પાણી પ્રદૂષિત બની ગયું છે. કેમિકલયુક્ત ફીણના કારણે નદીમાં જાણે બરફની ચાદર પથરાઈ હોય તેવા નજારો જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી સિઝનમાં આવી જ રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, જેના કારણે નદીનું જળચર જીવન અને આસપાસનું પર્યાવરણ ગંભીર જોખમમાં મુકાય છે.

આ ઘટનાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા અને સંબંધિત માફિયાઓને છૂટો દોર મળ્યો છે, જેના પરિણામે ભાદર નદી વારંવાર ઝેરી રસાયણોનું વહેણ સહન કરવા મજબૂર બની રહી છે. નદી કિનારાના ગામના લોકો અને પર્યાવરણપ્રેમીઓએ આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ડાઈંગ એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ભાદર નદીમાં ઝેરી કેમિકલ છોડનાર તત્વો સામે કડક દંડનાત્મક પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અસરકારક દેખરેખ ગોઠવવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે.

  • વરસાદ વરસતાની સાથે જ કેમિકલ માફિયાઓ આવ્યા મેદાને

  • વરસાદની આડમાં ડાઈંગ ઉદ્યોગના પાપીઓનું પાપ છાપરે ચડીને પોકાર્યું, નદીમાં પૂર આવતા જ છોડાયું ઝેરી કેમિકલયુક્ત પાણી

  • કલર-કેમિકલવાળા ઝેરી પાણીના કારણે ભાદર નદીમાં જાણે કાશ્મીર જેવો બરફીલો નજારો જોવા મળ્યો

  • સ્થાનિક સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણના લીધે પવિત્ર ભાદર નદી ફરી એકવાર બની પ્રદૂષિત

  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સદંતર નિષ્ક્રિયતા અને મિલીભગત સામે ઉઠ્યા ગંભીર સવાલો