આગ્રા એક્સપ્રેસ-વે પર ડબલડેકર બસમાં આગ : ડ્રાઈવરનું મોત
સિટી ન્યૂઝ@આગ્રા
ઉત્તરપ્રદેશની સૌથી વ્યસ્ત પરિવહન ધમનીઓમાંની એક એવી આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર શુક્રવારે વહેલી સવારે મુસાફરોને લઈને ગુરુગ્રામ જઈ રહેલી ખાનગી ડબલ ડેકર બસ રેતી ભરેલા કન્ટેનર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાત્રે લગભગ ૨ વાગ્યે, બસ આગળ જઈ રહેલા રેતી ભરેલા કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ બેકાબૂ બની પલટી ખાઈ ગઈ અને તેમાં આગ લાગી ગઈ. ટ્રક ડ્રાઈવર સ્ટીયરીંગમાં ફસાઈ જતાં જીવતો સળગી ગયો હતો,
જ્યારે બસમાં સવાર મુસાફરો બારીઓ તોડી બહાર નીકળ્યા હતા, જેમાં અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બસમાં સવાર આશરે ૩૦ મુસાફરોમાંથી ૨૪ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી લગભગ ૧૨ મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. બસની વધુ ઝડપ અને રાત્રિના સમયે બેદરકારીભર્યું ડ્રાઈવિંગ અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. એક્સપ્રેસવે પર ખાનગી બસો દ્વારા ગતિમર્યાદાનો ભંગ અને ડ્રાઈવરોની થાકભરી સ્થિતિને કારણે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે.