સૌથી વધુ નાપસંદ દેશોમાં ચીન ટોચે, અમેરિકા બીજા ક્રમે: ભારત 10મા સ્થાને
-
'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ' ના વૈશ્વિક સર્વેમાં સરકારી નિર્ણયો અને નીતિઓ આધારે રેટિંગ
-
કડક નિયંત્રણો અને ડેટ-ટ્રેપ ડિપ્લોમસીના કારણે ચીન વિશ્વમાં સૌથી વધુ નાપસંદ
-
સૈન્ય હસ્તક્ષેપથી અમેરિકા બીજા અને યુક્રેન યુદ્ધના કારણે રશિયા ત્રીજા સ્થાને
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ દેશની વૈશ્વિક છબી તેની વિદેશ નીતિ, સૈન્ય હસ્તક્ષેપ, સરકારી નિર્ણયો અને માનવાધિકારના રેકોર્ડને આધારે નક્કી થતી હોય છે. 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ' (World Population Review) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના વૈશ્વિક અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધુ નાપસંદ કરાતા દેશોની યાદીમાં ચીન પ્રથમ સ્થાને આવ્યું છે, જ્યારે વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકા બીજા ક્રમે અને રશિયા ત્રીજા ક્રમે રહ્યું છે. આ યાદી સંબંધિત દેશોના નાગરિકોના વ્યક્તિગત સ્વભાવ પર નહીં પરંતુ તેમની સરકારોના આક્રમક વલણ અને વૈશ્વિક પ્રભાવ પર આધારિત છે.
યાદીમાં મોખરે રહેલા ચીન સામે સરકારી કડક નિયંત્રણો, માનવાધિકાર ઉલ્લંઘન, તાઇવાન અને દક્ષિણ ચીન સાગરમાં આક્રમકતા તેમજ નાના દેશોને ફસાવતી 'ડેટ-ટ્રેપ ડિપ્લોમસી' મુખ્ય કારણો બન્યા છે. બીજા ક્રમે રહેલા અમેરિકા સામે અન્ય દેશોની આંતરિક બાબતોમાં બિનજરૂરી સૈન્ય હસ્તક્ષેપ, એકતરફી આર્થિક પ્રતિબંધો અને આંતરિક રાજકીય ધ્રુવીકરણ જવાબદાર ગણાયા છે. જ્યારે યુક્રેન સાથેનું યુદ્ધ, સેન્સરશિપ અને પશ્ચિમી દેશો સાથેના તણાવના કારણે રશિયા ત્રીજા ક્રમે આવ્યું છે.
આ ગ્લોબલ લિસ્ટમાં પરમાણુ કાર્યક્રમો અને આંતરિક દમનના કારણે ઉત્તર કોરિયા અને ઇરાન તેમજ સૈન્ય સંઘર્ષના કારણે ઇઝરાયલ અને સીરિયા જેવા દેશો પણ સામેલ છે. સતત રાજકીય અસ્થિરતા, ચરમપંથ અને પડોશી દેશો સાથેના સરહદી તણાવને કારણે પાકિસ્તાન આ યાદીમાં 6ઠ્ઠા સ્થાને નોંધાયું છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારત આ વૈશ્વિક યાદીમાં 10મા સ્થાને રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા નેરેટિવ્સ અને ભૌગોલિક રાજકીય સમીકરણો તેની રેટિંગ પર અસર કરે છે. આ યાદીમાં માત્ર વિકાસશીલ દેશો જ નહીં પરંતુ યુકે, જાપાન, જર્મની, ઇટાલી અને દક્ષિણ કોરિયા જેવા આર્થિક રીતે સંપન્ન દેશો પણ તેમના સંસ્થાનવાદી ઇતિહાસ અને પ્રાદેશિક તણાવોને કારણે ટોપ-20 માં સામેલ થયા છે.
સૌથી વધુ નાપસંદ દેશોમાં ચીન-યુએસ ટોચ પર
'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ'ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ નાપસંદ દેશોમાં ચીન પ્રથમ, અમેરિકા બીજા અને રશિયા ત્રીજા ક્રમે છે. આ યાદી દેશોની વિદેશ નીતિ, સૈન્ય હસ્તક્ષેપ અને રાજકીય નિર્ણયો પર આધારિત છે. પાકિસ્તાન 6ઠ્ઠા ક્રમે અને ભારત 10મા ક્રમે રહ્યું છે. યુકે, જાપાન અને જર્મની જેવા વિકસિત દેશો પણ ટોપ-20 માં સામેલ છે.