ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય: એકસાથે 2 લાખ વિદેશીઓના વિઝા રદ કરવાની તૈયારી
-
અસાયલમ (શરણ) માટે અરજી કરનારા આશરે 2 લાખ વિદેશી નાગરિકોના B1 અને B2 વિઝા રદ થશે
-
અમેરિકી વિદેશ વિભાગ આગામી સપ્તાહોમાં ઐતિહાસિક નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી શકે છે
-
વિઝિટર તરીકે આવી કાયમી રહેવા અરજી કરનારા લોકોની હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ઓળખ શરૂ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
જો યોજનામાં કોઈ મોટો ફેરફાર નહીં થાય કે કાનૂની પડકાર સામે નહીં આવે તો અમેરિકાના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર પહેલીવાર એકસાથે 2 લાખ વિદેશી નાગરિકોના વિઝા રદ કરવા જઈ રહી છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં શરણ (Asylum) માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે 2 લાખ જેટલા વિદેશી નાગરિકોના બિઝનેસ (B1) અને ટૂરિઝમ (B2) વિઝા રદ કરવા માટેની તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
અમેરિકી વિદેશ વિભાગ દ્વારા આગામી સપ્તાહોમાં આ ઐતિહાસિક નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકાના ઇતિહાસમાં એક જ સમયે આટલી મોટી સંખ્યામાં વિદેશીઓના વિઝા રદ કરવાનો આ સર્વપ્રથમ કિસ્સો બનશે. અહેવાલો અને વિદેશ વિભાગના દસ્તાવેજો અનુસાર, આ કડક નિર્ણય હેઠળ વર્ષ 2016 થી 2026 ની વચ્ચે ઇશ્યૂ કરવામાં આવેલા તમામ B1 અને B2 વિઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે સંયુક્ત રીતે એવા વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેઓ મૂળભૂત રીતે ટૂંકા ગાળાના વિઝિટર કે પ્રવાસી તરીકે અમેરિકા આવ્યા હતા પરંતુ પાછળથી તેમણે દેશમાં કાયમી ધોરણે રહેવા માટે અસાયલમની અરજી દાખલ કરી દીધી હતી. નિયમોનો દુરુપયોગ રોકવા આ સખત પગલું લેવાઈ રહ્યું છે.
જોકે સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વિઝા રદ થવાનો સીધો અર્થ એવો નથી કે સંબંધિત લોકોને તાત્કાલિક અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે. જે લોકોના શરણ મેળવવાના કેસ હાલ સ્થાનિક ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ કાનૂની રીતે તેમના દાવા પર આગળ વધવાનો અધિકાર જાળવી રાખશે. પરંતુ તેઓ પોતાનું બિઝનેસ કે ટૂરિઝમ વિઝિટર તરીકેનું સત્તાવાર સ્ટેટસ ગુમાવી દેશે.
ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળની શરૂઆતથી જ ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવવા અને વિઝા નિયમોને અત્યંત ચુસ્ત બનાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કડક પગલાંને કારણે વિશ્વભરમાંથી અમેરિકામાં શરણ મેળવવાની આશા રાખતા હજારો પરિવારોની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની શક્યતા છે.
2 લાખ વિદેશીઓના વિઝા રદ થશે
અમેરિકામાં શરણ માંગનારા 2 લાખ વિદેશીઓના B1 અને B2 વિઝા ટ્રમ્પ સરકાર રદ કરવાની તૈયારી કરી રહી છે. 2016 થી 2026 વચ્ચે અપાયેલા આ વિઝા રદ થવા છતાં પેન્ડિંગ અસાયલમ કેસ ધરાવનારાઓ કાનૂની પ્રક્રિયા લડી શકશે. ઇમિગ્રેશન નિયમો કડક કરવાના ભાગરૂપે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.