બાસમતી પર ભારતનો એકહથ્થો દાવો ફગાવાયો: ઓસ્ટ્રેલિયન કોર્ટનો મોટો ચુકાદો
-
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતીય સંસ્થા APEDA ની રિવ્યુ પિટિશન ફગાવી દીધી
-
ભારતની સાથે પાકિસ્તાનમાં પણ બાસમતીનું ઉત્પાદન થતું હોવાનું કોર્ટનું તારણ
-
ઓસ્ટ્રેલિયાના બજારમાં પાકિસ્તાની બાસમતી ચોખા પણ સત્તાવાર રીતે વેચી શકાશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપતાં બાસમતી ચોખા પર ભારતના એકહથ્થો સર્ટિફિકેશન ટ્રેડમાર્કના દાવાને ફગાવી દીધો છે. ભારત સરકારની નિકાસ પ્રોત્સાહન એજન્સી APEDA (એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા ઓસ્ટ્રેલિયામાં ‘બાસમતી’ શબ્દ પર વિશેષ સર્ટિફિકેશન ટ્રેડમાર્ક મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી અને અપીલને કોર્ટે સત્તાવાર રીતે રદ કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયન કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે બાસમતી ચોખા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ભૌગોલિક રીતે પાકિસ્તાનના વિસ્તારોમાં પણ પરંપરાગત રીતે ઉગાડવામાં આવે છે. આથી કોઈપણ 1 દેશ કે સંસ્થાને ‘બાસમતી’ નામ પર વિશેષ કે એકહથ્થો અધિકાર આપી શકાય નહીં. કોર્ટના આ તારણને પગલે ઓસ્ટ્રેલિયાના બજારમાં પાકિસ્તાની ચોખા ઉત્પાદકો અને નિકાસકારો પણ પોતાના ચોખાને ‘બાસમતી’ તરીકે મુક્તપણે વેચી શકશે.
આ આદેશથી ભારતના પ્રીમિયમ ચોખા નિકાસકારો, ખાસ કરીને પંજાબ અને હરિયાણાના બાસમતી ઉત્પાદકો અને વેપારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હવે ભારતીય અને પાકિસ્તાની બાસમતી ચોખા વચ્ચે સીધી કિંમત અને ગુણવત્તાની સ્પર્ધા જોવા મળશે.
બીજી તરફ, પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે આ ચુકાદાનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેને પોતાની મોટી કૂટનીતિક અને કાનૂની જીત ગણાવી છે. આ ચુકાદા સાથે જ વૈશ્વિક બજારોમાં બાસમતી ચોખાના ભૌગોલિક ઉપદર્શન (GI ટેગ) અને નામની ઓળખને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.
બાસમતી ટ્રેડમાર્ક પર ભારતને ઓસ્ટ્રેલિયામાં ઝટકો
ઓસ્ટ્રેલિયાની કોર્ટે બાસમતી ચોખા પર ભારતના એકહથ્થો સર્ટિફિકેશન ટ્રેડમાર્કના દાવાને રદ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે બાસમતી ચોખા ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ઉગાડાય છે, જેથી તેના પર કોઈ એકનો વિશેષ અધિકાર ન હોઈ શકે. આ ચુકાદાથી પાકિસ્તાની નિકાસકારોને રાહત મળી છે, જ્યારે ભારતીય નિકાસકારો માટે સ્પર્ધા વધશે.