Loading Please Wait !!!
શી જિનપિંગ 2 અઠવાડિયામાં અમેરિકા આવશે: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

 

  • વ્હાઇટ હાઉસમાં ચીનના ‘ગ્રેટ હોલ’ જેવો ભવ્ય સભાખંડ અને સૈન્ય સંકુલ બનશે: ટ્રમ્પ

  • અમેરિકા-ચીન શિખર મંત્રણાના સંકેત: ટ્રમ્પે જિનપિંગની યુએસ મુલાકાતની જાહેરાત કરી

  • વ્હાઇટ હાઉસમાં બનશે નવું હેલિપેડ: રોઝ ગાર્ડન કાર્યક્રમમાં ટ્રમ્પનો દાવો

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી આશરે 2 અઠવાડિયાની અંદર અમેરિકાની મુલાકાતે આવશે. ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસના પ્રતિષ્ઠિત રોઝ ગાર્ડનમાં આયોજિત 1 કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જોકે, ચીન સરકાર કે યુએસ વ્હાઇટ હાઉસ વહીવટીતંત્ર તરફથી હજુ સુધી આ મુલાકાતની કોઈ ચોક્કસ તારીખ, એજન્ડા કે કાર્યક્રમની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરિસરમાં ચાલી રહેલા નવા માળખાકીય બાંધકામનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચીનના બીજિંગમાં આવેલા જગવિખ્યાત ‘ગ્રેટ હોલ’ની તર્જ પર હવે અમેરિકામાં પણ પોતાનું ભવ્ય સભાખંડ અને અદ્યતન સૈન્ય સંકુલ તૈયાર થઈ રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ નિર્માણ પામી રહેલું નવું સંકુલ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ અને અજોડ સાબિત થશે.

આ ઉપરાંત ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં નવા સુરક્ષિત હેલિપેડના નિર્માણની પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ રાષ્ટ્રપતિના સુરક્ષા હેલિકોપ્ટરને ભીની ઘાસ પર ઉતારવા પડતાં હતાં, જે સુરક્ષા પ્રોટોકોલની દ્રષ્ટિએ અત્યંત જોખમી હતું. આ નવા હેલિપેડની જરૂરિયાત ઘણા વર્ષોથી અનુભવાતી હતી અને હવે તેનું નિર્માણ ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

જો બંને વૈશ્વિક મહાસત્તાઓના વડાઓ વચ્ચે આ મુલાકાત યોજાશે, તો તેમાં વેપાર, અદ્યતન ટેકનોલોજી, ટેરિફ, તાઇવાન વિવાદ અને બંને દેશો વચ્ચેની વૈશ્વિક વ્યૂહાત્મક સ્પર્ધા સહિતના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની પૂરેપૂરી શક્યતા છે. અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે આ સંભવિત બેઠક પર વિશ્વભરના દેશોની નજર ટકેલી છે.

ઉલ્લેખનીય છે કે બીજિંગ સ્થિત ‘ગ્રેટ હોલ ઑફ ધ પીપલ’ ચીનની સૌથી મહત્વપૂર્ણ ઔપચારિક અને વિધાનસભા ઇમારત ગણાય છે, જ્યાં રાષ્ટ્રીય સંસદની બેઠકો અને વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોના સત્તાવાર સ્વાગત સમારોહ યોજાય છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના નવા હોલની તેની સાથે સીધી તુલના કરીને આ પ્રોજેક્ટના ભવ્ય સ્વરૂપની રૂપરેખા આપી હતી.

શી જિનપિંગ 2 અઠવાડિયામાં યુએસ આવશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ચીની પ્રમુખ શી જિનપિંગ 2 સપ્તાહમાં અમેરિકા આવશે. જોકે બંને દેશો તરફથી સત્તાવાર કાર્યક્રમ જાહેર થવાનો બાકી છે. આ મુલાકાતમાં વેપાર અને તાઇવાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે જ વ્હાઇટ હાઉસમાં ભવ્ય સભાખંડ, સૈન્ય સંકુલ અને નવા હેલિપેડનું નિર્માણ થઈ રહ્યું હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.